મનોરંજન

સિનેમાઘરોમાં ગૂંજશે સંઘની સંઘર્ષગાથા! અજય દેવગણે શતકને આપ્યું સમર્થન

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સામાજિક સંગઠન ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે ખાસ ફિલ્મ ‘શતક: સંઘના ૧૦૦ વર્ષ’ તૈયાર કરવામાં આવી છે, જેનું ટીઝર હાલમાં જ લોન્ચ થયું છે. આ ફિલ્મ માત્ર સંઘના ઈતિહાસને જ નહીં, પરંતુ ભારતના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનમાં તેના ફાળાને સિનેમેટિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરે છે. ટીઝર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ફિલ્મ ‘શતક’ ની ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે યોગગુરુ બાબા રામદેવ બાદ બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગણે પણ તેને ટેકો જાહેર કર્યો. અજય દેવગણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફિલ્મના ટીઝરને શેર કરતા લખ્યું કે, “રાષ્ટ્ર નિર્માણમાં સંઘનું મોટું યોગદાન રહ્યું છે, આ યાત્રા પર વધુ પ્રકાશ પાડવા માટે ‘શતક’ ફિલ્મ આવી રહી છે.” અજય દેવગણ જેવા દિગ્ગજ અભિનેતાના સમર્થનને કારણે આ ફિલ્મ હવે માત્ર સંઘના સ્વયંસેવકો પૂરતી મર્યાદિત ન રહેતા સામાન્ય દર્શકો સુધી પણ પહોંચશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ ફિલ્મ પ્રત્યે સંગઠનનો લગાવ એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મના ગીત ‘ભગવા હૈ અપની પહેચાન’ નું વિમોચન ખુદ RSS ના સરસંઘચાલક ડો. મોહન ભાગવત દ્વારા દિલ્હી સ્થિત સંઘ મુખ્યાલય ‘કેશવ કુંજ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ પ્રચારક ભૈયાજી જોશી પણ હાજર રહ્યા હતા. ટીઝરની શરૂઆત એક દમદાર સંવાદથી થાય છે: “આ એક એવા વિચારની વાર્તા છે, જેને વર્ષોથી વારંવાર ભૂંસી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.” આ વાક્ય દર્શાવે છે કે ફિલ્મમાં સંઘ સામેના પડકારો અને વિવાદોને ઐતિહાસિક તથ્યો સાથે રજૂ કરવામાં આવ્યા છે.

આશિષ મોલ દ્વારા નિર્દેશિત અને વીર કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સંઘના સ્થાપક ડો. કેશવ બલીરામ હેડગેવાર અને દ્વિતીય સરસંઘચાલક ગુરુજી ગોલવલકરના જીવન અને વિચારધારાને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રીય નેતાઓના સંદર્ભો પણ લેવામાં આવ્યા છે. ફિલ્મમાં આઝાદીની લડતથી લઈને કટોકટી (Emergency) ના કાળ સુધી સંઘની ભૂમિકાની ઝલક જોવા મળશે. ફિલ્મની ટેગલાઈન ‘ન રૂકે, ન થકે, ન ઝુકે’ તેની નિરંતરતાને દર્શાવે છે.

નિર્માતાઓનું કહેવું છે કે આ ફિલ્મ નિઃસ્વાર્થ સેવા આપતા લાખો સ્વયંસેવકોને એક શ્રદ્ધાંજલિ છે. જેનો ઉદેશ્ય નવી પેઢીને અનુશાસન અને રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવવાનો છે. ‘શતક: સંઘના 100 વર્ષ’ આગામી 19 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સંઘના શતાબ્દી વર્ષમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ ભારતીય સિનેમા અને સામાજિક ચર્ચાઓમાં એક નવો વળાંક લાવી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button