બિગ બોસ 18ની સ્પર્ધક કશિશ કપૂરના ઘરે થઈ રૂ. 4.5 લાખની ચોરી, ઘરના ભેદી પર ચોરીનો આરોપ

મુંબઈ: મનોરંજનના ક્ષેત્ર સાથે જોડાયેલી હસ્તીઓના ઘરે ઘણીવાર ચોરી થતી હોય છે. તાજેતરમાં બિગ બોસ 18ની સ્પર્ધક કશિશ કપૂરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. કશિશ કપૂરે એક વ્યક્તિ પર ચોરીનો આરોપ લગાવ્યો છે અને અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કશિશ કપૂરના ઘરે કોણે કરી 4.5 લાખની ચોરી?
અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ચોરીની ફરિયાદમાં જણાવ્યાનુસાર, સચિન કુમાર ચૌધરી છેલ્લા પાંચ મહિનાથી અભિનેત્રી કશિશ કપૂરના ઘરે કામ કરી રહ્યો હતો. તે દરરોજ સવારે સાડા અગિયાર વાગ્યે કામ કરવા આવતો હતો અને એક વાગ્યે કામ કરીને ચાલ્યો જતો હતો.
કશિશ કપૂરે પોતાના ઘરના કબાટના દરામાં કેટલાક રૂપિયા રાખતી હતી. 6 જુલાઈએ તેણે જ્યારે કબાટમાં જોયું હતું ત્યારે તેમાં 7 લાખ રૂપિયા હતા. પરંતુ 9 જુલાઈએ તેણે પોતાની માને રૂપિયા મોકલવા માટે કબાટમાં તપાસ કરી ત્યારે તેમાં માત્ર 2.5 લાખ રૂપિયા જ હતા. કશિશ કપૂરે સમગ્ર કબાટને તપાસી જોયું હતું. હતું પરંતુ બાકીના 4.5 લાખ રૂપિયા મળ્યા ન હતા.
આપણ વાંચો: જાણીતી કોરિયોગ્રાફરનો કૂક નીકળ્યો ચોર, ખુદ કોરિયોગ્રાફરે કર્યો ખુલાસો…
સચિન ચૌધરી પાસેથી મળ્યા 50 હજાર રૂપિયા
કબાટમાંથી ગાયબ થયેલા 4.5 લાખ રૂપિયાને લઈને કશિશે સચિન કુમાર ચૌધરીની પૂછપરછ કરી ત્યારે તે ગભરાઈ ગયો હતો. કશિશ કપૂરને પોતાના ઘરે કામ કરતા સચિન કુમાર ચૌધરી પર શંકા ગઈ હતી. કશિશે સચિનના ખિસ્સાની ચકાસણી કરવાની વાત કરી હતી. પરંતુ સચિને તેને મંજૂરી આપી ન હતી. ત્યારબાદ સચિન 50 હજાર રૂપિયા ફેંકીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેથી કશિશને લાગ્યું કે સચિને જ ઘરમાં ચોરી કરી છે, જેથી તેણે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કશિશ કપૂરના ઘરેથી ફરાર થયેલા ચોરીના આરોપી સચિન કુમાર ચૌધરીની અંબોલી પોલીસે શોધખોળ શરૂ કરી છે.