નવી દિલ્હી: બિઝનેસ ટાયકૂન રતન ટાટા દેશના એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જે પોતાની સંપત્તિનો મહત્તમ હિસ્સો દાનમાં આપે છે. રતન ટાટા તેમની ઉદારતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રતન ટાટા દુનિયાભરમાં પોતાના બિઝનેસથી સુપરહિટ છે. તેમની વધતી સફળતા જોઈને રતન ટાટાએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેમને રિલાયન્સ કંપની જેવી સફળતા મળી નહીં.
૨૦ વર્ષ પહેલા રતન ટાટાએ પોતાના કારકિર્દીમાં પહેલી ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા, જે તેનો ખર્ચો પણ કાઢી શકી નહોતી. આ રીતે આ ફિલ્મ રતન ટાટાની પહેલી અને છેલ્લી ફિલ્મ બની. વિક્રમ ભટ્ટે અમિતાભ બચ્ચન, જોન અબ્રાહમ અને બિપાશા બાસુ અભિનીત રોમેન્ટિક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ઐતબાર’નું દિગ્દર્શન કર્યું હતું, જે ૨૩ જાન્યુઆરી ૨૦૦૪ ના રોજ રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ રતન ટાટાના ઈન્ફોમીડિયા ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની હતી. ફિલ્મની વાર્તા એક મનોરોગી પ્રેમી (જ્હોન અબ્રાહમ) અને તેની ગર્લફ્રેન્ડ (બિપાશા બાસુ) પર આધારિત હતી. અમિતાભ બચ્ચને ‘ઐતબાર’માં બિપાશાના પિતાની ભૂમિકા ભજવી હતી, જે ફિલ્મમાં તેમની પુત્રી બિપાશાને તેના મનોરોગી પ્રેમીથી બચાવે છે.
આપણ વાંચો: આ કોની માટે ઇન્સ્ટાગ્રામ પર મદદમાગી રહ્યા છે રતન ટાટા!
બિગ બી, જોન અને બિપાશા જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ ‘ઐતબાર’ને હિટ ન કરી શક્યા. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૪.૨૫ કરોડ રૂપિયા અને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર માત્ર ૭.૯૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
‘ઐતબાર’ બોક્સ ઓફિસ પર તેના બજેટ સુધી પણ પહોંચી શકી નહીં. ફિલ્મનું બજેટ ૯.૫૦ કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં રતન ટાટાના ફિલ્મ પાછળ ખર્ચવામાં આવેલા પૈસા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવાની તેમની આશા બંને પર પાણી ફરી વળ્યું. ‘ઐતબાર’ એટલી મોટી ફ્લોપ સાબિત થઈ કે રતન ટાટાએ ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં પૈસા રોકવાની હિંમત ન કરી.