રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કરી સગાઈ: જાણો ક્યારે થશે તેમના લગ્ન

મુંબઈ: અભિનેત્રી રશ્મિકા મંદાના આજે નેશનલ ક્રશ તરીકે જાણીતી બની ગઈ છે. 2018માં આવેલી ફિલ્મ ‘ગીતા ગોવિંદ’ અને 2019માં આવેલી ફિલ્મ ‘ડિયર કોમરેડ’ તેની હીટ ફિલ્મો પૈકીની ફિલ્મો છે. આ ફિલ્મો હીટ થવાનું એક કારણ અભિનેતા વિજય દેવરકોંડા છે. આ બંને ફિલ્મોથી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી ચર્ચામાં આવી હતી. દક્ષિણની ફિલ્મોની આ જોડી હવે લગ્નગ્રંથીમાં બંધાવાની તૈયારી કરી રહીં છે.
રશ્મિકા અને વિજયની થઈ સગાઈ
‘ગીતા ગોવિંદ’ અને ‘ડિયર કોમરેડ’ ફિલ્મ બાદ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની લવ કેમેસ્ટ્રી ચર્ચામાં આવી હતી. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હોય એવી અફવાઓ પણ ફેલાઈ હતી. આ અફવાઓ બાદ તેઓ સગાઈ કરશે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે આ અટકળ સાચી પડી છે. ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 03 ઓક્ટોબર 2025ના રોજ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ સગાઈ કરી લીધી છે. વિજય દેવરકોંડાની ટીમે આ અંગે પુષ્ટિ પણ કરી છે.
રશ્મિકા અને વિજય ક્યારે કરશે લગ્ન
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની સગાઈના સમાચારની પુષ્ટિ કરતા વિજયની ટીમે સંકેત આપ્યો છે કે, આ યુગલ ફેબ્રુઆરી 2026માં લગ્ન કરશે. જોકે, રશ્મિકા મંદાના કે વિજય દેવરકોંડાએ પોતાની સગાઈના ફોટો કે તેને લગતી કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાની સાથે જોવા મળતા હતા. તેમણે ન્યુ યોર્કમાં 43મી ભારત દિવસ પરેડની આગેવાની કરી હતી. તેઓ ‘ભારતીય બેયોન્ડ બોર્ડર્સ’ નામના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. જોકે, ‘ગીતા ગોવિંદ’ અને ‘ડિયર કોમરેડ’ બાદ બંનેની કોઈ ફિલ્મ આવી નથી. વિજય દેવરકોંડા તાજેતરમાં ‘કિંગ્ડમ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જ્યારે આગામી સમયમાં રશ્મિકા મંદાનાની ‘ધ ગર્લફ્રેન્ડ’ ફિલ્મ આવી રહી છે.
આ પણ વાંચો…રશ્મિકા મંદાના રંગાઈ હોળીના રંગોમાં, ‘બમ બમ ભોલે’ના ફોટા શેર કરીને લોકોમાં જિજ્ઞાસા વધારી