રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનારની કરાઈ ધરપકડ, આરોપીએ આપી આ પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ડીપફેક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા (The deepfake video of Rashmika Mandanna case). આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે રશ્મિકાના ડીપ ફેક વીડિયો બનાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિની ઉંમર 23થી 24 વર્ષની વચ્ચે છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક યુનિટ IFSOએ આંધ્ર પ્રદેશમાંથી આ વ્યક્તિની ધરપકડ કરી છે. 6 નવેમ્બર, 2023 ના રોજ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રશ્મિકાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. પાછળથી ખબર પડી કે આ વીડિયો બનાવવા માટે ડીપફેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને રશ્મિકાના ચહેરાને બ્રિટિશ ઇન્ફ્લુએન્સર ઝરા પટેલના શરીર પર લગાવવામાં આવ્યો હતો.
નવેમ્બરથી પોલીસ રશ્મિકાના ચર્ચાસ્પદ કેસની તપાસ કરી રહી હતી અને હવે તેમાં તેને મોટી સફળતા મળી છે. રશ્મિકાના વીડિયો પછી અભિનેત્રી આલિયા ભટ્ટ, કાજોલ અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના આવા જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
‘પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી લોકપ્રિય અભિનેત્રી રશ્મિકાએ આ વીડિયો વાયરલ થયા બાદ AI ટેક્નોલોજીના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું હતું કે આ વીડિયો જોઈને તે ‘ખૂબ જ દુઃખી’ થઈ રહી છે.
આ મામલે માહિતી આપતા દિલ્હી પોલીસના ડીસીપી હેમંત તિવારી (IFSO યુનિટ)એ કહ્યું કે આ કેસની ટેકનિકલ તપાસમાં ઘણી મહેનત કરવામાં આવી હતી. પોલીસે DCWની ફરિયાદ પર 10 નવેમ્બરના રોજ કેસ નોંધ્યો હતો અને 500થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની શોધ કરી હતી. તેમણે કહ્યું કે તેમની ટીમ અનેક રાજ્યોમાં ગઈ અને આખરે તેમણે આંધ્રપ્રદેશના ગુંટુરમાંથી ઈ નવીનની ધરપકડ કરી.
નવીન રશ્મિકાના ફેન છે, વીડિયો બનાવવાનો હેતુ નુકસાન પહોંચાડવાનો નહોતો, તે માત્ર પૈસા કમાવવા અને વીડિયો દ્વારા ફોલોઅર્સ વધારવા માંગતો હતો. આ વ્યક્તિએ 2021માં ચેન્નાઈથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં B.Tech કર્યું છે.
જાણો શું છે ડીપફેક?
ડીપફેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો (AI) ઉપયોગ કરીને, એક વ્યક્તિનો ચહેરો બીજી વ્યક્તિના ચહેરા પર ખૂબ જ સ્પષ્ટ રીતે લગાવી શકાય છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોઈ અન્ય છે કે કેમ તે એક નજરમાં કહેવું મુશ્કેલ છે. રશ્મિકાના વિડિયો વાઈરલ થયા બાદ, સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ કડક ચેતવણી આપી હતી, જેમાં ડીપફેક સંબંધિત કાયદાઓ અને તેના પર લાદવામાં આવેલા દંડને હાઈલાઈટ કરવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે નવીન રશ્મિકાના ફેન પેજ અને અન્ય બે સાઉથ સેલિબ્રિટીઝના ફેન પેજ ચલાવતો હતો. તેના 90 હજાર ફોલોઅર્સ હતા, જે રશ્મિકાના વીડિયો અપલોડ કર્યા બાદ 1 લાખને પાર કરી ગયા હતા.
તે મોનેટાઇઝેશન દ્વારા વધુ પૈસા કમાવવા અને તેના ફોલોર્સ વધારવા માંગતો હતો, તેથી તેણે YouTube પરથી એડિટિંગનો કોર્સ શીખ્યો અને ડીપફેક બનાવ્યું.