રણવીર સિંહની ‘ધુરંધર’એ 800 કરોડનો આંકડો પાર કરી ‘પુષ્પા 2’ને આપી પછડાટ

મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધી જે અશક્ય લાગતુ હતું, તે રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’એ કરી બતાવ્યું છે. બોલીવુડની કોઈ ફિલ્મ 700 કરોડ સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરતી હતી ત્યારે ‘ધુરંધર’ 800 કરોડના જાદુઈ આંકડાને પાર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે.
દક્ષિણ ભારતીય ફિલ્મ ‘પુષ્પા 2’ના રેકોર્ડને ટક્કર આપતા આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે કન્ટેન્ટ જો દમદાર હોય તો ફિલ્મ નવા શિખરો સર કરી શકે છે.
પાંચમી ડિસેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મે સતત 28 દિવસ સુધી ડબલ ડિજિટમાં કલેક્શન કરીને ટ્રેડ એક્સપર્ટ્સને ચોંકાવી દીધા છે. નવા વર્ષની શરૂઆતમાં સામાન્ય ઘટાડો જોયા બાદ શનિવારે ફિલ્મની ગતિ ફરી વધી છે.
આપણ વાચો: ‘ધુરંધર’ ફિલ્મને પ્રોપગંડા કહેનારાઓને આદિત્ય ધરે આપ્યો જવાબઃ ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન
શરૂઆતના અંદાજો મુજબ 30માં દિવસે ફિલ્મે અંદાજે 12થી 13 કરોડની કમાણી કરી છે, જે શુક્રવારની સરખામણીએ 30 ટકા વધુ છે. કોઈ પણ હિન્દી ફિલ્મ માટે પાંચમા શનિવારે આટલી મોટી કમાણી કરવી એ પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે.
‘ધુરંધર’ હવે સત્તાવાર રીતે 800 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ૩૦ દિવસના અંતે ફિલ્મનું કુલ નેટ કલેક્શન 806 કરોડને પાર કરી ગયું છે.
આપણ વાચો: ક્લેપ એન્ડ કટ..! : ધૂંઆધાર રેકોર્ડસ સર્જી રહ્યું છે ‘ધુરંધર’
રસપ્રદ વાત એ છે કે ‘પુષ્પા 2’ જેવી મોટી સિક્વલે 30 દિવસમાં 801 કરોડની કમાણી કરી હતી, જ્યારે ‘ધુરંધર’એ ઓરિજિનલ ફિલ્મ હોવા છતાં 806 કરોડ મેળવીને અલ્લુ અર્જુનની ફિલ્મને પાછળ છોડી દીધી છે. આ સફળતા રણવીર સિંહના કરિયર માટે સૌથી મોટી સાબિત થઈ રહી છે.
હાલમાં હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ ‘પુષ્પા 2’ના ડબ વર્ઝન (830 કરોડ) ના નામે છે, પરંતુ ‘ધુરંધર’ જેટલી ઝડપે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે આગામી 2-3 દિવસમાં તે 830 કરોડનો આંકડો પણ વટાવી જશે. હવે આખું બોલીવુડ આતુર છે કે ક્યારે ‘ધુરંધર’ સૌથી વધુ કમાણી કરનારી નંબર 1 હિન્દી ફિલ્મ બને છે.



