બિગ બેનર ફિલ્મો કરતા વધારે બજેટ છે રણવીર અને બોબી દેઓલની આ એડ કેમ્પેઈનનું

મુંબઈ: સામાન્ય રીતે બોલીવૂડ કે હોલીવૂડની ફિલ્મોના બજેટ ઊંચા રહેતા હોય છે. પરંતુ ભારતમાં હવે સૌથી ઊંચા બજેટની જાહેરાત બનતા જઈ રહી છે. જેમાં બોલીવૂડના જાણીતા ચહેરાઓ કામ કરવાના છે. આ જાહેરાત શેની છે, તેનું બજેટ કેટલું છે અને તેમાં બોલીવૂડના કયા ચહેરા કામ કરવાના છે? આવો જાણીએ.
‘છાવા’ ફિલ્મના બજેટ કરતાંય મોંઘી એડ
ઉદ્યોગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘ચિંગ્સ દેશી ચાઇનીઝ’ એક જાહેરાત બનાવવા જઈ રહ્યું છે. આ જાહેરાત બનાવવા માટે અંદાજે 150 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. આ એડ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ, શ્રીલીલા અને બોબી દેઓલ એક સાથે કામ કરવાના છે. ‘જવાન’ ફેમ ડિરેક્ટર એટલી આ એડ ફિલ્મનું દિગ્દર્શન કરશે.
સૂત્રો જણાવી રહ્યા છે કે, અત્યાર સુધી કોઈ જાહેરાતનું આટલું મોટું બજેટ રહ્યું નથી. તેથી આ એડ ભારતમાં અત્યાર સુધીની સૌથી મોંઘી જાહેરાત બનશે. આ જાહેરાતનું બજેટ તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી મોટી બોલિવૂડ ફીચર ફિલ્મોના બજેટ કરતાં પણ વધારે છે. ઉદાહરણ તરીકે, વિકી કૌશલ અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મ ‘છાવા’નું બજેટ રૂ. 130 કરોડ હતું. આ ઉપરાંત, આ જાહેરાત ‘રેડ 2’ (રૂ. 120 કરોડ), ‘સ્ત્રી 2’ (રૂ. 60 કરોડ) અને ‘સૈયારા’ (રૂ. 45 કરોડ) જેવી ફિલ્મો કરતાં પણ વધુ ખર્ચાળ છે.
આ પણ વાંચો : મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટના હાથમાં જોવા મળ્યો આ મોંઘો ફોન! જાણો કિંમત અને ફીચર્સ…
રણવીર અને ચિંગ્સનું જૂનું જોડાણ
રણવીર સિંહ અગાઉ પણ ચિંગ્સ દેશી ચાઇનીઝની અનેક જાહેરાતોમાં જોવા મળ્યો છે, જેમાં રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત એક શોર્ટ ફિલ્મ અને તમન્ના ભાટિયા સાથેની ઇન્સ્ટન્ટ નૂડલ્સની એક એડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : નીતા અંબાણીની 17 કરોડ રૂપિયાની આ ટચૂકડી બેગની ખાસિયત જાણશો તો ચોંકી ઉઠશો…
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ ટૂંક સમયમાં જ આદિત્ય ધરના ડિરેક્શન હેઠળની ફિલ્મ ‘ધુરંધર’માં જોવા મળશે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારો છે.