પ્રેગ્નન્સી વખતે રાધિકા આપ્ટે સાથે પ્રોડ્યુસરે કર્યું ખરાબ વર્તનઃ હવે રહસ્ય ખોલ્યું…

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે ફિલ્મોની સાથે ઓટીટી પર પણ પોતાના અભિનયથી છવાયેલી છે. તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મ ઉદ્યોગનું એક ચોંકાવનારું રહસ્ય જાહેર કર્યું છે. અભિનેત્રીએ પોતાના ગર્ભાવસ્થાના દિવસો યાદ કર્યા અને કહ્યું કે શૂટિંગ દરમિયાન એક ભારતીય નિર્માતાએ તેની સાથે બિલકુલ સારો વ્યવહાર કર્યો નહોતો.
રાધિકા આપ્ટે તાજેતરમાં નેહા ધૂપિયાના શો ‘ફ્રીડમ ટુ ફીડ’માં જોવા મળી હતી. આ દરમિયાન તેણે તેની ગર્ભાવસ્થા દરમિયાન થયેલી એક ફિલ્મના શૂટિંગને યાદ કર્યું. અભિનેત્રીએ કહ્યું, ‘ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો હતો, મને ખાવાની ક્રેવિંગ થઈ રહી હતી, હું ખૂબ ખાતી હતી. હું શારીરિક ફેરફારોમાંથી પણ પસાર થઈ રહી હતી, પરંતુ આ બાબતોને સમજવાને બદલે, તે ભારતીય નિર્માતાએ મને ખૂબ હેરાન કરી.’

અભિનેત્રીએ આગળ જણાવ્યું કે તેણે ઘણા દિવસો સુધી આ બધું સહન કર્યું. તેણે કહ્યું કે, એક દિવસ મને સેટ પર ખૂબ દુખાવો થવા લાગ્યો અને મને સેટ પર બેચેની લાગવા લાગી, આ બધું જોયા પછી પણ નિર્માતાએ મને ડૉક્ટર પાસે જવાની મંજૂરી ન આપી.
અભિનેત્રીએ કહ્યું, ‘મારી ગર્ભાવસ્થા દરમિયાન, હું એક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી હતી. પરંતુ ત્યાંનું વાતાવરણ ખૂબ સારું હતું. તે ટીમ અને નિર્માતાએ મને ખૂબ ટેકો આપ્યો. તેઓ સેટ પર પણ મારી ખૂબ કાળજી રાખતા. તેમને મારા વજન વધવાથી કોઈ સમસ્યા નહોતી.’

તમને જણાવી દઈએ કે રાધિકાએ વર્ષ 2013માં બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં આ કપલ માતા-પિતા બન્યા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો રાધિકા છેલ્લે ફિલ્મ ‘સિસ્ટર મિડનાઈટ’માં જોવા મળી હતી, જે એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો.