મારા સ્ટાફનો ખર્ચ પ્રોડ્યુસર કેમ ઉઠાવે? ફિલ્મ સ્ટાર્સના વધારાની ખર્ચ અંગે આમિર ખાને ઉઠાવ્યા સવાલ

મુંબઈ: બોલિવૂડમાં ત્રણ ખાન અભિનેતાઓ પોતાનું પ્રભુત્ત્વ જમાવી ચૂક્યા છે. આમિર ખાન તે પૈકીના એક છે. આમિર ખાનની ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેની આ યાત્રા આજે પણ ચાલું જ છે. જોકે, આમિર ખાન અભિનેતાની સાથોસાથ પ્રોડ્યુસર પણ છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા એક વલણને લઈને વાંધો ઉઠાવ્યો છે.
એક્ટર પોતાના સ્ટાફનો ખર્ચ જાતે ઉઠાવે
તાજેતરમાં મિ. પર્ફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને કોમલ નાહટા સાથે ‘ગેમ ચેન્જર્સ’ યુટ્યુબ ચેનલમાં ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં વાતચીત દરમિયાન આમિર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી કેટલીક અનિયમિતતાઓ સામે પોતાનો મત રજૂ કર્યો હતો. આમિર ખાને કલાકારો દ્વારા પ્રોડ્યુસર પાસેથી પોતાના અંગત ખર્ચાઓની માંગણીને ‘શરમજનક’ ગણાવી હતી.
આમિર ખાને જણાવ્યું હતું કે, “ફિલ્મ સ્ટાર્સને ઓળખ મળવી જોઈએ, પરંતુ એટલી હદ સુધી નહીં કે તે નિર્માતાઓને હેરાન કરવા લાગે. એક વ્યવસ્થા હતી કે પ્રોડ્યુસર સેટ પર સ્ટાર્સના ડ્રાઈવર અને તેના આસિસ્ટન્ટનો ખર્ચ ઉઠાવતો હતો. મને આ પ્રથા બહુ વિચિત્ર લાગી. મેં વિચાર્યું કે ડ્રાઈવર અને આસિસ્ટન્ટ મારા માટે કામ કરે છે, તો પ્રોડ્યુસર કેમ તેનો ખર્ચ ઉઠાવી રહ્યો છે? જો પ્રોડ્યુસર મારા અંગત સ્ટાફનો ખર્ચ ઉઠાવી રહ્યો છે, તો શું એનો અર્થ એ છે કે તે મારા બાળકોની સ્કૂલ ફી પણ ભરવાનું શરૂ કરી દેશે? આ બધુ ક્યારે અટકશે?”
મારા સ્ટાફનો ખર્ચ મારી જવાબદારી છે
આમિર ખાને આગળ જણાવ્યું કે, “પ્રોડ્યુસરે માત્ર એ જ ખર્ચ ઉઠાવવો જોઈએ, જેનો ફિલ્મ સાથે સીધો સંબંધ હોય. જેમાં મેકઅપ, હેર સ્ટાઈલ, કોસ્ટ્યુમનો સમાવેશ થાય છે. પરંતુ મારા પર્સનલ ડ્રાઈવર અથવા આસિસ્ટન્ટનો ખર્ચ આપવો, ફિલ્મમાં તેમનો શું ફાળો છે? તે મારા માટે કામ કરે છે. તેની ચૂકવણી કરવી મારી જવાબદારી છે. ખાસ કરીને ત્યારે જ્યારે હું સારી એવી કમાણી કરી રહ્યો છું.”
આમિર ખાને આ પ્રથાને શરમજનક ગણાવતા કહ્યું કે, આજના સ્ટાર્સ પોતાના સ્પોટ બોય, ટ્રેનર અને રસોયાનો ખર્ચ પણ વસૂલ કરે છે. હવે તો તેઓ સેટ પર લાઈવ કિચન અને જીમ પણ રાખે છે. જેનો ખર્ચ પ્રોડ્યુસર ઉઠાવે તેવી આશા રાખે છે. આ સ્ટાર્સ કરોડોની કમાણી કરે છે, તેમ છતાં પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. આ શર્મની વાત છે. મને બહુ વિચિત્ર લાગે છે. આ ઈન્ડસ્ટ્રી માટે દુઃખદ અને નુકસાનકારક છે.
ઉલ્લેખનીય છે કે, કોમલ નાહટા સાથેની વાતચીતમાં આમિર ખાને એ સ્પષ્ટતા પણ કરી છે કે તેઓ સ્ટાર્સની સુખ-સુવિધાઓની ઈચ્છાના વિરોધમાં નથી. પરંતુ પ્રોડ્યુસર માથે પોતાનો અંગત ખર્ચો નાખવાથી ઈન્ડસ્ટ્રીને નુકસાન થાય છે.
આપણ વાંચો: દિશા પટણી દેખાઈ ન્યૂ યોર્કમાંઃ યુપીના ઘર પર ફાયરિંગ કરનારાને આ રીતે આપ્યો જવાબ, જૂઓ વીડિયો