પ્રિયંકાએ ધામધૂમથી મનાવી હોળી, દીકરી-પતિ સાથે પીસીની તસવીરો વાઈરલ
નોએડાઃ ઈન્ટરનેશનલ સ્ટાર સેલિબ્રિટી તરીકે જાણિતી પ્રિયંકા ચોપરા (પીસી) હાલમાં ભારતના પ્રવાસે છે અને પોતાના પરિવાર સાથે યાદો બનાવી રહી છે, ત્યારે તેના આ યાદગાર દિવસોની યાદીમાં તેણે હાલ ભારતીય સંસ્કૃતિની ઝલક પણ ઉમેરી દીધી છે.
પ્રિયંકાએ આ વર્ષે પોતાના સમગ્ર પરિવાર સાથે ભારતમાં હોળીની ઉજવણી કરી હતી. જેની રંગબેરંગી તસવીરો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો નીહાળી તેના ફેન્સે લાઈક અને કોમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો. પ્રિયંકાએ નોએડામાં હોળીની ઉજવણી કરી હતી, જેની સાથે આ ઉજવણી તેની દીકરી માલતીની ભારતમાં આ પહેલી હોળીની ઉજવણી થઈ ગઈ છે, જે પરિવારના સભ્યો સાથે ઉજવતા યાદગાર બનાવી દીધી હતી.
હવે પ્રિયંકાએ તેની હોળીના રંગો સાથેની તસવીરોની ઝલક પોતાના ફેન્સને બતાવી છે, જેમાં તેણે કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ શેર કર્યા છે. દેસી ગર્લે પોતાના પતિ નિક સાથે મન મૂકીને દેસી અંદાજમાં હોળી રમી હતી. ઉપરાંત, પ્રિયંકા તેની કઝિન અને બિગ બોસની સેકન્ડ રનર-અપ મનારા ચોપરા સાથે પણ ખૂબ મસ્તી કરી હતી. પૂરો ચોપરા પરિવાર પ્રિયંકાના આવવાથી ખૂબ ખુશ જણાયો હતો. પ્રિયંકાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે હોળી ખૂબ જોરદાર હતી અમે ખૂબ મસ્તી કરી.
પ્રિયંકાની આ રંગીન પોસ્ટ પર તેના ફેન્સે ઢગલાબંધ કમેન્ટ કરી તેને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. એક યૂઝરે લખ્યું હતું કે બેસ્ટ કપલ અને હેપ્પી ફેમિલી. જ્યારે બીજા એક યુઝરે લખ્યું ફેવરેટ ફેમિલી. પ્રિયંકાના લૂકની વાત કરીએ તો તેણે સફેદ રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો. પ્રિયંકા સાથે પરિવાર પણ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળતા ચાહકોનું દિલ જીતી લીધું હતું.