પ્રેમ ચોપરાની તબિયતમાં આવ્યો સુધારો: સ્વસ્થ થતાં સૌથી પહેલા કોની ચિંતા કરી?

મુંબઈ: બોલીવુડમાં પીઢ કલાકારોના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક દિવસથી છવાયેલા ચિંતાના વાદળો ધીમે ધીમે હટી રહ્યા છે. બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને આજે સવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરિવારે તેમની સારવાર માટે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો હતો. ધર્મેન્દ્ર બાદ હવે 90 વર્ષીય પીઢ અભિનેતા પ્રેમ ચોપરાના સ્વાસ્થ્યને લઈને પણ મહત્ત્વના સમાચાર આવ્યા છે.
પ્રેમ ચોપરાના જમાઈએ આપી અપડેટ
ધર્મેન્દ્ર બાદ પ્રેમ ચોપરાને પણ તબિયત બગડતા તાજેતરમાં મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, એવી પુષ્ટિ પ્રેમ ચોપરાના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લાએ કરી છે.
પ્રેમ ચોપરાને અચાનક હોસ્પિટલમાં દાખલ કરાતા અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, પ્રેમ ચોપરાના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લાએ તમામ અટકળોને નકારી કાઢતા મીડિયાને જણાવ્યું હતું કે પ્રેમજી એકદમ સ્વસ્થ છે. તેઓ માત્ર ચેકઅપ માટે હોસ્પિટલમાં હતા. તેમને ઉંમર સંબંધિત કેટલીક જટિલતાઓ અને હળવા ચેપને કારણે નિયમિત પરીક્ષણો માટે 10 નવેમ્બરના મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આપણ વાચો: ધર્મેન્દ્રની સારવારને લઈ પરિવારે શું લીધો મોટો નિર્ણય? જાણો
પ્રેમ ચોપરાને ધર્મેન્દ્રની ચિંતા
હોસ્પિટલની સારવાર દરમિયાન પ્રેમ ચોપરાને પોતાના મિત્ર ધર્મેન્દ્રના સ્વાસ્થ્યની ચિંતા થતી હતી. આજે પ્રેમ ચોપરાને મળેલા તેમના જમાઈએ આનો અનુભવ કર્યો હતો. વિકાસ ભલ્લાએ જણાવ્યું કે આજે હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ હતા, પરંતુ તેઓ ધર્મેન્દ્રજીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા.
ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરના સવારે 7:45 વાગ્યે ધર્મેન્દ્રને એમ્બ્યુલન્સ દ્વારા તેમના જુહુના ઘરે લાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલના સૂત્રો અનુસાર હવે તેમને ઘરે આરામ કરવા અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે. હેમા માલિની, ઈશા દેઓલ, સની દેઓલ અને બોબી દેઓલે આ મુશ્કેલ સમયમાં હૉસ્પિટલમાં સતત હાજર રહ્યા હતા. બોલીવુડના આ બંને પીઢ અભિનેતા અને મિત્રો હવે ખતરામાંથી બહાર હોવાના સમાચારથી ફિલ્મ જગતમાં રાહત જોવા મળી છે.



