મનોરંજન

ધર્મેન્દ્ર અને ગોવિંદા બાદ પ્રેમ ચોપરા પણ સ્વસ્થ: લીલાવતી હોસ્પિટલમાંથી અપાઈ રજા…

મુંબઈ: નવેમ્બર 2025ની શરૂઆતમાં ઘણા દિગ્ગજ અભિનેતાઓની તબિયત બગડી હતી. જેને લઈને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ધર્મેન્દ્ર, ગોવિંદા અને પ્રેમ ચોપરાનો સમાવેશ થાય છે. તાજેતરમાં લાંબી સારવાર બાદ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગોવિંદા પણ એક દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. ત્યારે હવે પ્રેમ ચોપરાના સ્વાસ્થ્યને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે.

પ્રેમ ચોપરા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા

પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને 8 નવેમ્બરના રોજ છાતીમાં દુખાવો થવાની ફરિયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પ્રેમ ચોપરાને આજે એટલે કેસ 15 નવેમ્બરને શનિવારના રોજ રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે.

પ્રેમ ચોપરાને અચાનક હોસ્પિટલમાં દાખલ કરાતા અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, અગાઉ પ્રેમ ચોપરાના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લાએ તમામ અટકળોને નકારી કાઢતા મીડિયાને જણાવ્યું હતું કે, પ્રેમજી એકદમ સ્વસ્થ છે. તેઓ માત્ર ચેકઅપ માટે હોસ્પિટલમાં હતા. તેમને ઉંમર સંબંધિત કેટલીક જટિલતાઓ અને હળવા ચેપને કારણે નિયમિત પરીક્ષણો માટે 10 નવેમ્બરના મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વર્કફ્રન્ટ પર પ્રેમ ચોપરા

ઉલ્લેખનીય છે કે, પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1935ના રોજ લાહોરના હિન્દુ-પંજાબી પરિવારમાં થયો હતો. પ્રેમ…પ્રેમ ચોપરા… 90 વર્ષીય આ અભિનેતાનો આ ડાયલોગ આજે પણ એવરગ્રીન છે. તેમના ફિલ્મી કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ ‘ચૌધરી કરનૈલ સિંહ’થી થઈ હતી. આ ફિલ્મમાં તેમણે હીરોની ભૂમિકા ભજવી હતી. મનોજ કુમારની ફિલ્મ ‘શહીદ’ (1965)માં તેમને સુખદેવની ભૂમિકા મળી. આ તેમની પહેલી હિંદી ફિલ્મ હતી. જોકે, ફિલ્મોમાં એક ખલનાયક તરીકે પોતાની આગવી ઓળખ બનાવી હતી. છેલ્લે તેઓ રણવીર કપૂરની ફિલ્મ એનિમલ (2023)માં જોવા મળ્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button