પ્રીતિ ઝિન્ટા સની દેઓલ સાથે આ ફિલ્મથી કમબેક કરશે
મુંબઈ: ‘ગદર-ટુ’ની સફળતા બાદ સની દેઓલ ફરી એક નવી ફિલ્મની સ્ટોરીને લઈને આવ્યા છે. ‘લાહોર 1947’ આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન પણ કેમીઓ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મમાં આમિર ખાન એક પ્રોડ્યુસર તરીકે જોડાયા હોવાની માહિતી સામે આવી છે. તેમ જ ફિલ્મને રાજકુમાર સંતોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવવાની છે. સની દેઓલ અને આમિર ખાન જેવી સ્ટાર કાસ્ટ આ ફિલ્મ છે જેથી ફિલ્મમાં હીરોઈન તરીકે કોને કાસ્ટ કરવામાં આવશે એ બાબતે અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા, પણ હવે તે બાબતનો મોટો ખુલાસો થયો છે.
સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘લાહોર 1947’ની એક્ટ્રેસને લઈને માહિતી સામે આવી છે. આ હીરોઈને શાહરુખ ખાન, સલમાન ખાન, સની દેઓલ અને બૉબી દેઓલ જેવા મોટા અભિનેતાઓ સાથે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ પ્રીતિ ઝિન્ટા છે.
તાજેતરમાં પ્રીતિ ઝિન્ટા મુંબઈના એક સ્ટુડિયો બહાર જોવા મળી હતી જેથી તે સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘લાહોર 1947’ના રોલ માટે ગઈ હોવાની ચર્ચા મીડિયા અને તેના ચાહકો વચ્ચે શરૂ થઈ છે, પણ આ બાબતે પ્રીતિ ઝિન્ટાએ કોઈપણ ખુલાસો કર્યો નથી. એક મીડિયા રિપોર્ટ મુજબ પ્રીતિ ઝિન્ટા ‘લાહોર 1947’માં સામેલ થવા માટે જ આ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી એવું કહેવામા આવ્યું હતું.
પ્રીતિ ઝિન્ટાએ બૉલીવૂડની અનેક ટોચની ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણા સમયથી કોઈપણ ફિલ્મમાં જોવા મળી નથી. પ્રીતિ ઝિન્ટાએ તેના ફિલ્મ કરિયરમાં બોબી દેઓલ સાથે ‘સોલ્જર’, સની દેઓલ સાથે ‘ફર્ઝ’, શાહરુખ સાથે ‘વીર-ઝારા’, સલમાન ખાન સાથે ‘ચોરી-ચોરી ચુપકે-ચુપકે’, આમિર ખાન સાથે દિલ ચાહતા હે અને હૃતિક રોશન સાથે ‘કોઈ મિલ ગયા’ જેવી ફિલ્મોમાં અભિનેતાઓ સાથે સ્ક્રીન શૅર કરી છે. જોકે આ ફિલ્મમાં સની દેઓલની સામે કોણ હીરોઈન હશે એ બાબતે ફિલ્મ મેકર્સ દ્વારા કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.