પરિણીતી ચોપરાના પુત્રનું કર્યું નામકરણ, જાણો નામ અને તેનો અર્થ

મુંબઈ: બોલીવુડની હસ્તીઓને ત્યાં સંતાનનો જન્મ થાય એટલે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમની એક-એક મૂવમેન્ટ પર લોકોની નજર રહેતી હોય છે. બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. જેનું હવે નામકરણ કરવામાં આવ્યું છે. પરિણીતી ચોપરાના દીકરાનું શું નામ રાખવામાં આવ્યું છે, આવો જાણીએ.
સોશિયલ મીડિયા પર નામની જાહેરાત
19 ઓક્ટોબર, 2025ના પરિણીતી ચોપરાએ પુત્રને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે છઠ્ઠીના દિવસે નવા જન્મેલા સંતાનોનું નામકરણ થતું હોય છે, પરંતુ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પુત્રના જન્મના એક મહિના પછી તેનું નામકરણ કર્યું છે, જેની સોશિયલ મીડિયા પર પણ જાહેરાત કરવામાં આવી છે.
આપણ વાચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે પારણું બંધાયું, પતિએ ખુશખબરી શેર કરી…
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બે ફોટો જોવા મળે છે. ફોટોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા તેમના દીકરાના પગ ચૂમતા જોવા મળે છે. આ ફોટોના કેપ્શનમાં એક સંસ્કૃત શ્લોક લખવામાં આવ્યો છે. “જલયસા રૂપમ પ્રેમસ્ય સ્વરૂપમ – તત્ર એવા નીર.” કેપ્શનમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘નીર’નો અર્થ પાણી (જળ) થાય છે, જે શુદ્ધતા, દિવ્યતા અને અનંતતાનું પ્રતીક છે. આ નામ શાંતિ અને સ્થિરતા પણ સૂચવે છે.
ખાસ વાત એ છે કે, આ નામ પરિણીતીમાંથી ‘ની’ અને રાઘવમાંથી ‘ર’ જોડીને બનાવવામાં આવ્યું છે. પરિણીતીના નામનો અર્થ ‘પૂર્ણ’ થાય છે, જ્યારે ‘રાઘવ’એ ભગવાન રામનું બીજું નામ છે. હવે તેમના પુત્રના નામ ‘નીર’નો અર્થ ‘શુદ્ધ’ છે, જે આ દંપતીના જીવનમાં શાંતિ અને પૂર્ણતાનું પ્રતીક છે.
ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બર, 2023 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં ધ લીલા પેલેસ ખાતે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ બે વર્ષ પછી, તેમના ઘરે પારણું બંધાયું છે. 12 અઠવાડિયા પહેલા, આ દંપતીએ નાના પગના નિશાન સાથેની ‘1 + 1 = 3’ કેકની તસવીર પોસ્ટ કરીને નવા મહેમાનના આગમન અંગેની ખુશખબર શેર કરી હતી.



