
ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એક અમર અવાજનું અચાનક શાંત થવું, જાણે કે કોઈ મધુર રાગનું અંતિમ સ્વર થંભી ગયું હોય. પંડિત છન્નુલાલ મિશ્રા, જેઓએ ઠુમરી અને ખયાલની શૈલીને જીવંત કરીને અનેક પેઢીઓને મંત્રમુગ્ધ કરી હતી, તેમનું આજે અવસાન થતાં સમગ્ર સંગીત જગતમાં ગમગીની છવાઈ ગઈ છે. તેમની ભાવપૂર્ણ ગાયકીએ કાશીની ગંગાની જેમ અનેકને પ્રેરણા આપી હતી.
ગુરુવારે વહેલી સવારે 4:15 વાગ્યે, 91 વર્ષની વયે પંડિત છન્નુલાલ મિશ્રાએ અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી ઉંમર સંબંધીત બિમારીઓથી પિડાઈ રહ્યા હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર કરવામાં આવશે, જ્યાં અનેક શ્રદ્ધાંજલિ આપનારા એકત્રિત થશે.
પંડિતજીનો જન્મ 3 ઓગસ્ટ, 1936ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તેમણે પ્રારંભિક સંગીત શિક્ષણ પોતાના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી મેળવ્યું હતું. ત્યારબાદ, કિરાણા ઘરાનાના પ્રસિદ્ધ ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ઉચ્ચત્તમ તાલીમ લઈને તેમણે પોતાની કળાને નિખારી હતી.
પંડિત અનોખલાલ મિશ્રા પ્રખ્યાત તબલા વાદકના જમાઈ તરીકે પણ તેઓ જાણીતા હતા. કાશીની પરંપરાગત માટી સાથે જોડાયેલા પંડિત છન્નુલાલે પોતાના અનોખા અને ગહન અવાજથી પૂર્વીય ઠુમરી અને પૂરબ અંગની શૈલીઓને અમરત્વ આપ્યું છે, જે આજે પણ અનેક કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
આ પણ વાંચો…ટ્રમ્પના નજીકના સહયોગી ચાર્લી કિર્કનું દુ:ખદ અવસાન, યુનિવર્સિટી ડિબેટ દરમિયાન થઈ હતી ફાયરિંગ…