લોસ એન્જલસની આગને કારણે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મોકૂફ

લોસ એન્જલસઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અનેક લોકોનું જીવન પ્રભાવિત થયું છે. આની અસર ઓસ્કાર ૨૦૨૫ ના નોમિનેશનની જાહેરાત પર પણ થઇ છે. નોમિનેશનની જાહેરાત એકવાર મોકૂફ રાખવામાં આવી છે.
હોલીવુડ પર થયેલી અસરને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના અહેવાલ મુજબ હવે નામાંકન ૨૩ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. તમામ નોમિનેટેડ સ્ટાર્સના નામ પણ ત્યારે જ જાહેર થશે.
આપણ વાંચો: L.A. Wildfiresમાં પાંચના મોત ઓસ્કારની તારીખો બદલવાની પડી ફરજ
એકેડમીના સીઇઓ બિલ ક્રેમર અને એકેડેમીના પ્રમુખ જેનેટ યાંગે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આગની અસર અમને સૌને થઇ છે અને અમારા ઘણા લોકોને ખુબ જ નુકશાન થયું છે. એકેડેમી હંમેશા ફિલ્મ ઉદ્યોગમાં સંગઠિત શક્તિ રહી છે અને અમે મુશ્કેલીઓનો સામનો કરવા સાથે ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઓસ્કારનું આયોજન કરતી સંસ્થાએ તેના વાર્ષિક નોમિનેશનના સભ્યોનું લંચ પણ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ દર વર્ષે થાય છે. આ વખતે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
વૈજ્ઞાનિક અને તકનીકી પુરસ્કારો, જે અગાઉ ૧૮ ફેબ્રુઆરીના રોજ જાહેર થવાના હતા, તે પણ રીશેડ્યૂલ કરવામાં આવશે. ૯૭મો ઓસ્કાર ૨ માર્ચે ડોલ્બી થિયેટરમાં યોજાશે, જે એબીસી પર સાંજે ૭ વાગ્યે શરૂ થશે અને હુલુ પર લાઇવ સ્ટ્રીમ થશે.
આપણ વાંચો: ‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર થયા પછી જાણો પંદર દેશની કઈ ફિલ્મો છે?
અગાઉ પણ ઘણી વખત ઓસ્કાર નોમિનેશન મોકૂફ રાખવામાં આવ્યા હતા અને સમારંભમાં પણ વિલંબ થયો હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ૨૦૨૧ માં ઓસ્કાર નોમિનેશન મોકૂફ રાખવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૩૮માં લોસ એન્જલસમાં આવેલા વિનાશક પૂરને કારણે સમારોહ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
૧૯૬૮માં ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા પછી તે બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ૧૯૮૧માં વોશિંગ્ટન, ડીસીમાં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનને ગોળી મારવામાં આવ્યા પછી તે ૨૪ કલાક માટે મુલતવી રાખવામાં આવી હતી. નિર્ણય પ્રસારણની શરૂઆતના ચાર કલાક પહેલા લેવામાં આવ્યો હતો.