એનિમલની બરાબરી તો નહીં, પણ સેમ બહાદુરે પણ સો કરોડ ક્લબમાં કરી એન્ટ્રી

એનિમલ સાથે જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિકી કૌશલની સેમ બહાદુર ધારી સફળતા મેળવી શકી નથી અને તેને સ્ક્રીન પણ ઓછા મળ્યા છે છતાં વિકી કૌશલના જોરદાર અભિનય અને ફિલ્મના મજબૂત કન્ટેન્ટને લીધે તે સો કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે.
વિકી કૌશલને હંમેશા એક મજબૂત અભિનેતા માનવામાં આવે છે. પરંતુ ‘ઉરી’ સિવાય તેની પાસે લીડ રોલમાં એવી ફિલ્મો ઓછી છે જે તેના દમ પર ચાલી હોય. સેમ બહાદુર બાદ વિકી પોતાના જોરે વધારે મજબૂતાઈથી ઊભો રહી શકશે. આમ પણ વર્ષ 2023 વિકી માટે યાદગાર વર્ષ બની રહેશે. કારણ કે વિકીની ફિલ્મ જરા હટકે જરા બચકે અપેક્ષા કરતા વધારે હીટ સાબિત થઈ અને સેમ બહાદુરે પણ વાહવાહી મેળવી છે.
મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત સેમ બહાદુર પાસે પહેલેથી જ સારી વાર્તા હતી. વિવેચકોએ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી અને વિકી કૌશલના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી ને ફિલ્મ સિનેમાઘરોમાં ટકી રહી. હવે આ ફિલ્મે 17 દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો જંગી આંકડો પાર કરી લીધો હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે સેમ બહાદુરે ત્રીજા સપ્તાહમાં પણ સારી કમાણી કરી છે. રવિવારે ફિલ્મે 5.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શુક્રવાર અને શનિવારનો ઉમેરો કરીને, વિકીની ફિલ્મના છેલ્લા સપ્તાહના અંતે લગભગ રૂ. 12 કરોડનું નેટ કલેક્શન થયું. હવે 17 દિવસમાં વિકીની ફિલ્મે ભારતમાં રૂ. 76 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું, તેથી નિર્માતાઓ ખુશ થયા છે.
હજુ વર્ષના અંતમાં વિકી શાહરુખ ખાનની આગામી રિલીઝ ડંકીમાં ખૂબ જ ખાસ પાત્ર ભજવતો જોવા મળશે. તેના વિશે વાત કરતા શાહરૂખે કહ્યું છે કે આ ફિલ્મમાં વિકીએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. જોકે સેમ બહાદુરમાં તેના અભિનયના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે.