ફિલ્મ અભિનેતા આમિર ખાનનો ડીપફૅક વીડિયો: અજાણી વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

મુંબઇ: એક રાજકીય પક્ષનો પ્રચાર કરતો હોય એવો ફિલ્મ અભિનેતા આમિર ખાનનો ડીપફૅક વીડિયો પ્રકરણે મુંબઈ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આમિર ખાનની ઓફિસ દ્વારા આ પ્રકરણે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે બુધવારે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમ અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
27 સેક્ધડની ક્લિપમાં આર્ટિફિશિયલ ટેક્નોલોજી (એઆઇ)નો ઉપયોગ કરીને આમિર જુમલાથી દૂર રહેવા માટે કહેતો જોવા મળે છે. આ ડીપફૅક વીડિયોમાં અભિનેતા તેના ટેલિવિઝન શૉ સત્યમેવ જયતેના દાયકા જૂના એપિસોડમાંના એક દ્રશ્યમાં જોવા મળે છે.
ખાનના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યુંં હતું કે અભિનેતાએ ચૂંટણી પંચની ઝુંબેશ થકી મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવવા યોગદાન આપ્યું હતું. જોકે કોઇ પણ રાજકીય પક્ષના પ્રચારમાં ખાન સંકળાયેલો નથી.
પ્રવક્તા નિવેદનમાં જણાવે છે કે ‘અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આમિર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં કોઇ પણ રાજકીય પક્ષનો પ્રચાર કર્યો નથી. તે ભૂતકાળમાં ઘણી બધી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચની જનજાગૃતિ ઝુંબેશ થકી જાગૃતિ ફેલાવવા સમર્પિત છે.’
જોકે ડીપફૅક વીડિયોમાં આમિરને ચોક્કસ રાજકીય પક્ષનો પ્રચાર કરતો બતાવાયો તે જોઇને અમને આંચકો લાગ્યો હતો. આથી અભિનેતા સ્પષ્ટતા કરવા માગે છે કે આ વીડિયો ફૅક છે અને સાવ ખોટો છે. અભિનેતાએ મુંબઈ પોલીસની સાયબર ક્રાઇમ સેલમાં પણ ફરિયાદ નોંધાવી છે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે અભિનેતા નાગરિકોને મતદાન કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થવા માટે અનુરોધ કરે છે. આ વખતે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી યોજાવાની છે, જ્યારે પરિણામો 4 જૂને જાહેર કરાશે. (પીટીઆઇ)