મિસ યુનિવર્સ ફિનાલેમાં બબાલ: જજનો કન્ટેસ્ટંટ સાથે અફેર, બે જજે રાજીનામું આપ્યું…

બેંગકોક: ‘મિસિસ યુનિવર્સ ઈન્ડિયા 2025’નો ખિતાબ જીતીને ભારતની મનિકા વિશ્વકર્મા ‘મિસ યુનિવર્સ 2025’માં ભાગ લેવા પહોંચી છે, પરંતુ મિસ યુનિવર્સ 2025 સ્પર્ધા ફિનાલેના ગણતરીના કલાકો પહેલા જ ગંભીર વિવાદોમાં સપડાઈ છે. જ્યુરી પેનલના બે જજે એક પછી એક રાજીનામું આપી દીધું છે. આવો જાણીએ સમગ્ર વિવાદ શું છે.
જજ ઓમર હાર્ફૌચેના ગંભીર આક્ષેપો
જ્યુરી સભ્ય અને સંગીતકાર ઓમર હાર્ફૌચે એ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સનસનીખેજ દાવાઓ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બિનસત્તાવાર નિર્ણાયક પેનલમાં એવા વ્યક્તિઓ સામેલ છે, જેમના કેટલાક સ્પર્ધકો સાથે અંગત સંબંધો છે, જે પરિણામોને અસર કરી શકે છે. ઓમરે સ્પષ્ટ દાવો કર્યો કે મત ગણતરી માટે જવાબદાર જ્યુરી સભ્યનું એક સ્પર્ધક સાથે અફેર છે, જે પારદર્શકતાનો અભાવ દર્શાવે છે.

ઓમરે જણાવ્યું કે મિસ યુનિવર્સના સીઈઓ રાઉલ રોચા સાથે મેં મતદાન પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન મારી સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે હું આ નાટકનો ભાગ બનવા માંગતા નથી અને હું આ કાર્યક્રમ માટે તૈયાર કરેલું સંગીત પણ વગાડીશ નહીં.
ક્લાઉડ મેકેલેલેનું રાજીનામું
ઓમર હાર્ફૌચ ઉપરાંત, ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર અને ભૂતપૂર્વ પ્રોફેસર ક્લાઉડ મેકેલેલેએ પણ જ્યુરી પેનલમાંથી રાજીનામું આપી દીધું છે. મેકેલેલેએ ઇન્સ્ટાગ્રામ પર અંગત કારણોસર હાજરી ન આપી શકવાની જાહેરાત કરી છે સાથોસાથ મિસ યુનિવર્સ સંસ્થા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. ક્લાઉડ મેકેલેલે જણાવ્યું છે કે, “આ પ્લેટફોર્મ સશક્તિકરણ, વિવિધતા અને શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે… હું સંસ્થા, સ્પર્ધકો અને સામેલ દરેક વ્યક્તિની દિલથી માફી માંગુ છું.”
ઓર્ગેનાઇઝેશનએ આરોપો નકાર્યા
મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન (MUO) એ જજ ઓમર હાર્ફૌચના તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. MUO એ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે કોઈ પણ જ્યુરીની રચના રેન્ડમ રીતે કરવામાં આવી નથી અને દરેક વ્યક્તિ પારદર્શક પ્રોટોકોલનું પાલન કરે છે. ઓર્ગેનાઇઝેશને ઓમરને બ્રાન્ડ સાથે જોડાવા અને તેના ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.



