
મુંબઈ: ટીવી ઇતિહાસની લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં નામના મેળવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમના કો-એક્ટર ફિરોઝ ખાને પોતાની સોશિયલ મીડિયા પેજ કરી હતી, ફિરોઝ ખાને ‘મહાભારત’માં અર્જુનની ભૂમિકા ભજવી હતી. પંકજ ધીરના નિધનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે, અને તેમના ચાહકો ગમગીન થયા છે.
પંકજ ધીરનું નિધન આજે સવારે 11:30 વાગ્યે થયું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. થોડા મહિનાઓ પહેલા તેના કેન્સરે ફરી ઉથલો માર્યો હતો. જેના કારણે તેમની તબિયત ખૂબ ખરાબ થઈ હતી. આ બીમારીની સારવાર માટે તેણે એક મોટી સર્જરી પણ કરાવી હતી, પરંતુ આખરે તે આ લડાઈ હારી ગયા. તેના પુત્ર નિકિતન ધીર તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ પરિવાર માટે આ ઘટના ખૂબ દુઃખદ છે.

‘મહાભારત’માં પંકજ ધીર સાથે કામ કરનાર ફિરોઝ ખાને શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે પંકજ માત્ર એક ઉમદા કલાકાર જ નહોતા, પરંતુ એક સારા માણસ પણ હતા. તેમના નિધનથી હું વધારે વ્યથિત થયો છું અને હજુ આ ઘટનાનો સ્વીકાર કરી શક્યો નથી. ફિરોઝે ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથેની યાદગાર તસવીર શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી. અન્ય કલાકારો પણ સોશિયલ મીડિયા દ્વારા પંકજ ધીરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
CINTAAનું નિવેદન
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)એ સત્તાવાર નિવેદન જારી કરીને પંકજ ધીરના નિધનની પુષ્ટિ કરી. નિવેદનમાં જણાવાયું કે અમે ખૂબ દુઃખ સાથે અમારા ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAAના ભૂતપૂર્વ મહાસચિવ પંકજ ધીરના 15 ઓક્ટોબરના નિધનની જાણ કરીએ છીએ. તેમના અંતિમસંસ્કાર આજે સાંજે 4.30 વાગ્યે મુંબઈના વિલે પાર્લે (પશ્ચિમ)માં કરવામાં આવશે.
આ પણ વાંચો…મહાભારતના આ યૌદ્ધાઓમાં હતી એક જ દિવસમાં યુદ્ધ પૂરું કરવાની ક્ષમતા, 99 ટકા લોકોને નથી ખબર…