સૈફ અલી ખાન બાદ કરીના કપૂર પર પણ થયો હતો હુમલો: રોનિત રોયે કર્યો ખુલાસો

જાન્યુઆરી મહિનામાં સૈફ અલી ખાનના ઘરમાં એક હુમલાખોર ઘૂસી આવ્યો હતો. તેણે છરી વડે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને કરીના કપૂર સહિતના લોકો ચિંતામાં મૂકાયા હતા. જોકે, આ ઘટનાના પાંચ મહિના બાદ એક બીજો મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો રોનિત રોયે કર્યો છે.

સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ તેના પરિવારે ઘરની સુરક્ષા વધારવાનું નક્કી કર્યું હતું અને રોનિત રોયની સિક્યુરીટી એજન્સીને તેની જવાબદારી સોંપી હતી. તાજેતરમાં મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રોનિત રોયે સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને એક ખુલાસો કર્યો છે.

રોનિત રોયે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જ્યારે સૈફ અલી ખાન ઘરે પાછો ફર્યો હતો. ત્યારે કરીના કપૂર હોસ્પિટલથી ઘરે જવા નીકળી હતી. તે સમયે વધારે ભીડ હતી. આવા સમયે કરીનાની કાર પર પણ સામાન્ય હુમલો થયો હતો. કેટલાક લોકો તેની ખૂબ નજીક આવી ગયા હતા. જેથી તે ગભરાઈ ગઈ હતી..

રોનિત રોયે આગળ જણાવ્યું કે, કરીનાએ મને સૈફને સુરક્ષિત રીતે હોસ્પિટલથી ઘરે લઈ જવા કહ્યું હતું. હું જ્યારે સૈફને ઘરે લઈને પહોંચ્યો ત્યારે ઘરે સુરક્ષા સંપૂર્ણપણે મજબૂત કરી દેવામાં આવી હતી. સૈફ અલી ખાનના ઘરની સુરક્ષામાં ઘણી ખામીઓ હતી, જેને અમે દૂર કરી છે.

સૈફના હુમલા સમયે કરીના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી મનાવી રહી હતી તેવા અહેવાલો પણ વહેતા થયા હતા. જોકે ઘણાના કહેવા અનુસાર તે ઘરમાં જ હતી અને બાળકોને બચાવવા તેમના અપાર્ટમેન્ટના ઉપરના ફ્લોર પર દોડી હતી. ઘટના બાદ કરીનાએ બાળકોની સુરક્ષા પર ધ્યાન આપ્યું હતું. જોકે સૈફને હૉસ્પિટલે જવા માટે કાર હાજર ન હોવાના અને તે રિક્ષામાં ગયો હોવાના અહેવાલોએ કુતુહલ સર્જયું હતું.

ઉલ્લેખનીય છે કે, રોનિય રોય એક્ટિંગની સાથોસાથે Ace Security and Protection નામની સિક્યુરિટી એજન્સી પણ ચલાવે છે. જે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય કુમાર, કરણ જોહર અને કેટરિના કૈફ સહિતના અનેક મોટા સેલિબ્રિટીઓની સુરક્ષા સંભાળે છે. આ બિઝનેસથી પણ રોનિય રોય કરોડો રૂપિયાની કમાણી કરે છે.