રાહુલ ગાંધીએ ‘હાઇડ્રોજન બોમ્બ’ ગણાવેલી લારિસા નેરીએ વીડિયો શેર કરી કહ્યું, મને ચૂંટણી વિશે ખબર નથી…

બ્રાઝિલિયા: વોટ ચોરીને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચોંકાવનારા દાવા કર્યા હતા. રાહુલ ગાંધીએ એક ‘બ્રાઝિલિયન’ મોડેલે “સ્વીટી, સીમા, સરસ્વતી” જેવા અલગ અલગ નામોથી 22 વખત મતદાન કર્યું હોવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ આ યુવતી કોણ છે? એવા સવાલો ઊભા થયા હતા. ત્યારે હવે આ કથિત બ્રાઝિલિયન મોડલ યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
હું ભારતમાં ફેમસ થઈ ગઈ છું: લારિસા નેરી
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જે યુવતીનો ઉલ્લેખ કર્યો હતો તેનું નામ લારિસા નેરી છે. આ યુવતી વ્યવસાયે હેર ડ્રેસર છે. ભારતમાં પોતાની તસ્વીરને લઈને ચર્ચા થતા હવે તેણે એક વીડિયો શેર કરીને પોતાના વિશે માહિતી આપી છે.
લારિસા નેરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, “અજબની વાત છે. હું ભારતમાં ફેમસ થઈ ગઈ છું. એ પણ એક રહસ્યમય બ્રાઝિલિયન મોડલ તરીકે…”
લારિસા નેરીએ આગળ જણાવ્યું કે, “આ ફોટો 8 વર્ષ જૂનો છે, ત્યારે હું લગભગ 20 વર્ષની હોઈશ. મને ત્યાંની ચૂંટણી અને મતદાન વિશે જાણકારી નથી. તેઓ મને એક ભારતીય તરીકે બતાવી રહ્યા છે. આ એક ગાંડપણ જેવું છે. લોકો હવે મારું ઇન્ટરવ્યૂ કરવા માંગે છે.”
મિત્રની મદદ માટે પોસ્ટ કર્યો હતો ફોટો
મહત્વની વાત એ છે કે વીડિયોમાં લારિસા નેરીની ભાષા પોર્ટુગિઝ છે. લારિસા નેરીએ બ્રાઝિલના મીડિયાને જણાવ્યું કે, હું કોઈ મોડલ નથી. મારો આ ફોટો એક મિત્રની મદદ માટે પોસ્ટ કર્યો હતો. ફોટોગ્રાફર મેથ્યૂઝ ફરેરોએ મારા ફોટોને શેર કરવા માટે પરમિશન માંગી હતી. ત્યારબાદ આ ફોટોનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લારિસા નેરીને હવે સોશિયલ મીડિયા યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર શોધી રહ્યા છે. લારિસા નેરીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હોવાનો પણ દાવો કર્યો છે. જ્યારે લારિસા નેરીનો ફોટો શેર કરનાર ફોટોગ્રાફર મેથ્યૂઝ ફરેરોએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી દીધું છે.
આપણ વાંચો: બિહારમાં મતદાન વચ્ચે છમકલું ! લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાનના કાફલાને ઘેર્યો, ચપ્પલ ફેંકાઈ



