મનોરંજન

‘લાલો- કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે કરી કમાલ: બોક્સઓફિસ પર ઐતિહાસિક કલેક્શન, બોલીવુડની ફિલ્મોને મારી ટક્કર…

અમદાવાદ: ઢોલીવુડ ઉર્ફે ગુજરાતી સિનેમાએ છેલ્લા 15 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. આ 15 વર્ષના સમયગાળા દરમિયાનમાં અવનવા વિષયો પર આધારિત ઘણી ફિલ્મો આવી છે. જે જોવાલાયક છે. પરંતુ તાજેતરમાં એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે, જેણે ગુજરાતી સિનેમાને તેના સુવર્ણકાળમાં લાવી દીધી છે. ગુજરાતી સિનેમાને સુવર્ણકાળમાં લઈ જવાનો શ્રેય બીજી કોઈ નહીં પરંતુ અભિનેતા અંકિત સખિયાની ફિલ્મ “લાલો- કૃષ્ણ સદા સહાયતે”ને જાય છે. કરણ જોશી, રીવા રાચ્છ અને કિન્નલ નાયક અભિનીત આ ફિલ્મે રિલીઝના માત્ર 47 દિવસમાં જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. આ સફળતાનો અંદાજ તેની ઐતિહાસિક કમાણી પરથી લગાવી શકાય છે.

સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ

“લાલો- કૃષ્ણ સદા સહાયતે” ફિલ્મે પ્રાદેશિક સિનેમામાં એક આશ્ચર્યજનક સફળતા મેળવી છે. આ ફિલ્મે માત્ર 47 દિવસમાં રૂ. 76.55 કરોડની જંગી કમાણી કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની છે. આ ફિલ્મે રાષ્ટ્રીય ચાર્ટમાં વર્ષ 2025ની 36મી સૌથી મોટી ભારતીય હિટ ફિલ્મના લિસ્ટમાં એન્ટ્રી કરી છે.

“લાલો- કૃષ્ણ સદા સહાયતે” ફિલ્મની કમાણીની વિગતવાર વાત કરીએ તો પહેલા અઠવાડિયામાં તેને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. પહેલા અઠવાડિયામાં ફિલ્મે 33 લાખની કમાણી કરી હતી. બીજા અઠવાડિયે આ કમાણીમાં ઘટ્ટ આવી હતી. બીજા અઠવાડિયે આ ફિલ્મે 27 લાખની કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયે આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની હતી. પરિણામે લોકો તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળવાનું શરૂ થયું હતું. જેની અસર તેના ત્રીજા અઠવાડિયાની કમાણીમાં દેખાઈ હતી. ત્રીજા અઠવાડિયે આ ફિલ્મે 62 લાખની કમાણી કરી હતી.

ચોથા અઠવાડિયે આ ફિલ્મે ગુજરાતી ફિલ્મોની કમાણીના ઇતિહાસમાં સૌથી મોટો ઉછાળો માર્યો હતો. ચોથા અઠવાડિયે રૂ. 12.08 કરોડની કમાણી કરી હતી. જ્યારે પાંચમાં અઠવાડિયે આ ફિલ્મ ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ હતી. પાંચમાં અઠવાડિયે આ ફિલ્મે 25.7 કરોડની કમાણી કરી હતી. હાલમાં આ ફિલ્મ રિલીઝ થયાનું છઠ્ઠું અઠવાડિયું ચાલી રહ્યું છે. છઠ્ઠા અઠવાડિયાના પાંચમાં દિવસ સુધીમાં આ ફિલ્મે 1.70 કરોડ કમાણી કરી લીધી છે. એની સાથે ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 76.55 કરોડે પહોંચ્યું છે.

બોલીવુડની ફિલ્મોનો પણ તોડ્યો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે રૂપિયા 50 લાખના સાધારણ બજેટ સાથે બનેલી ‘લાલો- કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે બોક્સઓફિસ કલેક્શનમાં ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ની સાથોસાથ બોલીવુડ-ટોલીવુડની ફિલ્મોને પણ પાછળ પાડી દીધી છે. ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મે કુલ 35 કરોડ કમાણી કરી હતી, જ્યારે આ ફિલ્મની કમાણી હજુ પણ ચાલી રહી છે. આ ઉપરાંત, રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’નું લાઈફટાઈમ કલેક્શન રૂ. 72.3 કરોડ હતું, જ્યારે પ્રદીપ રંગનાથનની ફિલ્મ ‘ડ્યૂડ’નું લાઈફટાઈમ કલેક્શન રૂ. 73.13 કરોડ હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button