ખૂંખાર રણબીર કપૂરને લઇને હાજર થયું ‘એનિમલ’, ‘સેમ બહાદુર’ સામે બાથ ભીડશે

વર્ષ 2023 બોલીવુડ માટે જાણે પ્રાણ ફૂંકનારું સાબિત થયું છે. પહેલા તો શાહરૂખે બેકટુબેક બ્લોકબસ્ટર આપીને બોલીવુડને રાખમાંથી બેઠું કર્યું, પઠાણથી થયેલી આ શરૂઆત પછી ગદર, OMG-2 અને હવે ટાઇગર સુધી પહોંચી છે. તો ટાઇગર બાદ હવે રણબીર કપૂરને ખૂંખાર લુકમાં ચમકાવતી ‘એનિમલ’ નું ટ્રેલર આજે રજૂ થયું છે.
ટ્રેલરની શરૂઆતના દ્રશ્યથી જ ફિલ્મની ઓવરઓલ થનારી ઇમ્પેક્ટનો ખ્યાલ આવી જાય છે. પિતાપુત્ર વચ્ચેના સંબંધોનું એક અલગ જ વર્ઝન બતાવવાનો ફિલ્મમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. રણબીર કપૂર ઘણા ઇન્ટેન્સ લુકમાં છે એ તો ટીઝર જોઇને જ ખ્યાલ આવી ગયો હતો પરંતુ ટ્રેલર બાદ અન્ય કલાકારોની ભૂમિકા પણ સ્પષ્ટ થતી જાય છે. એનિમલનું ટ્રેલર રૉ અને ડાર્ક છે, પરંતુ તે કોમર્શિયલ એલિમેન્ટથી ભરેલું છે, જે દર્શકોને ખૂબ પ્રભાવિત કરે છે. રણબીર કપૂર બાળપણથી લઈને યુવાની અને વૃદ્ધાવસ્થા સુધીના રોલમાં જોવા મળી રહ્યો છે. રશ્મિકા મંદાના રણબીર કપૂરની પ્રેમિકા અને બાદમાં પત્નીની ભૂમિકામાં છે.
બોબી દેઓલ એક ખતરનાક વિલનની ભૂમિકામાં છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેનો એક પણ ડાયલોગ નથી. એટલે કે બોબી એક પણ શબ્દ બોલ્યા વગર હીરોની જીંદગીમાં તબાહી મચાવશે. બોબી દેઓલ માટે આ ભૂમિકા તેની ‘આશ્રમ’ વેબ સિરીઝ બાદ ફરીવાર તેને દમદાર અભિનેતા સાબિત કરી શકે એમ છે.
આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રજૂ થવાની છે અને તે ‘સેમ બહાદુર’ સાથે ટક્કર લેશે, એટલે કે બોલીવુડ અભિનેતા વિકી કૌશલ અભિનીત સેમ માણેકશાની બાયોપિક ‘સેમ બહાદુર’ પણ આ જ દિવસે રિલીઝ થઇ રહી છે ત્યારે બંનેમાંથી કઇ ફિલ્મ દર્શકોના દિલ જીતે છે એ જોવું રહ્યું.