કરિશ્મા કપૂરના બાળકોએ પ્રિયા સચદેવ વિરુદ્ધ કર્યો દાવો: પિતાની 30,000 કરોડની સંપત્તિમાં માંગ્યો હિસ્સો

નવી દિલ્હી: જૂન 2025માં પોલો રમતી વખતે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. જે હવે વિવાદનું કારણ બની છે. કરિશ્મા કપૂર અને તેના સંતાનો સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવ વિરૂદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં ગયા છે.
સંજય કપૂરના વસિયતનામાને લઈને વિવાદ
કરિશ્મા કપૂરને છૂટાછેડા આપ્યા બાદ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. જેથી હવે સંજય કપૂરની 1.1 અબજ ડૉલરથી વધુની સંપત્તિને લઈને કરિશ્મા કપૂર અને તેના સંતાનો તથા પ્રિયા સચદેવ વચ્ચે વિવાદ સર્જાયો છે. કરિશ્મા કપૂર અને તેના સંતાનો સમાયરા અને કિયાને પ્રિયા સચદેવ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં 21 માર્ચ 2025ની વસીયતને શંકાસ્પદ, નકલી અને બનાવટી ગણાવવામાં આવી છે. આ સાથે પ્રિયા સચદેવ સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિયા સચદેવે 7 અઠવાડિયા સુધી સંજય કપૂરની વસિયત છૂપાવીને રાખી હતી. અરજીમાં સમાયરા અને કિયાને પિતા સંજય કપૂરની સંપત્તિમાં 20-20 ટકા ભાગની માંગણી પણ કરી છે, જ્યાં સુધી આ અરજીનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી તમામ સંપત્તિને ફ્રીજ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
મા, બહેન અને પત્ની વચ્ચે પણ વિવાદ
ઉલ્લેખનીય છે કે, સંજય કપૂરના 30 હજાર કરોડના એમ્પાયરને લઈને તેમની મા, બહેન અને પત્ની પ્રિયા સચદેવ વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. ફોર્બ્સ 2025ના આંકડાઓ પ્રમાણે સંજય કપૂરની નેટવર્થ 1.1 અબજ યુએસ ડૉલર હતી. બ્લુમબર્ગ એસ્ટિમેટ દ્વારા તેમની નેટવર્થ 1.15 અબજ યુએસ ડૉલર બતાવવામાં આવી છે, જ્યારે રિયલ-ટાઈમ બિલિયનર ઇન્ડેક્ષ મુજબ સંજય કપૂર 1.18 અબજ ડૉલરના માલિક હતા.
આપણ વાંચો: Happy Birthday: જન્મદિવસ મનાવી રહેલો અક્ષય કુમાર કેમ થયો ઈમોશનલ