કોની સાથે કોફી પીવા ચાલ્યો કરણ?
બી-ટાઉનના મોસ્ટ અવેઈટેડ ટોક શો કોફી વિથ કરણના શ્રી ગણેશ થઈ ગયા છે અને પહેલા એપિસોડમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીન મોસ્ટ ચાર્મિંગ કપલ એટલે કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહે હાજરી આપી હતી. એપિસોડ ઓન એર થતાં જ ચારે બાજું આ શોની ચર્ચા થઈ રહી છે. આ શોમાં હાજરી આપ્યા બાદ દીપિકા-રણવીરની રિલેશનશિપ પર સોશિયલ મીડિયા પર એક અલગ જ લેવલની ડિબેટ શરૂ ગઈ છે.
જોકે, હવે ગઈ ગુજરી વાત છોડી દઈએ તો દર્શકો આતુરતાપૂર્વક સિઝનના બીજા એપસોડની રાહ જોઈ રહ્યા છે અને એ સાથે જ લોકોમાં એ વાતની ઉત્સુક્તા પણ જોવા મળી રહી છે કે બીજા ગેસ્ટ કોણ હશે?
શોના હોસ્ટ કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોતાના નેક્સ્ટ એપિસોડના ગેસ્ટની હિંટ પણ આપી દીધી છે. કરણે જણાવ્યું હતું કે હવે આગામી એપિસોડમાં દર્શકોને ભાઈ-બહેનોની જુગલબંદી જોવા મળશે. બસ પછી તો સોશિયલ મીડિયા પર લોકોએ અટકળો લગાવવાનું શરુ કરી દીધું છે અને એમાં રાણી મુખર્જી અને કાજોલ, જહાન્વી કપૂર-ખુશી કપૂર તેમ જ સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાનના નામની ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો આ જોડી બીજું કોઈ નહીં પણ સની દેઓલ અને બોબી દેઓલ છે. એવું નથી કે સની અને બોબી બંને પહેલી વખત કોફી પીવા માટે કરણના શો પહોંચ્યા હોય. આ પહેલાં 13મી સિઝનના પહેલાં એપિસોડમાં તેઓ આ શોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો બંને ભાઈઓ માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. સનીએ ગદર ટુની સાથે બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા તો બોબી પણ ટૂંક સમયમાં એનિમલ નામની ફિલ્મમાં કામ કરતો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં બોબીની અમુક સેકન્ડની ઝલક જોઈને જ દર્શકો વાહ બોલવા મજબૂર થઈ ગયા હતા.