બોક્સઓફિસ પર ‘ધુરંધર’ની ઘૂમ વચ્ચે કપિલ શર્માની ફિલ્મના હાલ પણ જાણી લો….

મુંબઈ: ટેલિવિઝન જગતમાં પોતાની કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનાર કપિલ શર્મા લાંબા સમય બાદ ફરી થિયેટરમાં ધૂમ મચાવવી રહ્યા છે. પોતાની પ્રથમ સુપરહિટ ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂં’ના 10 વર્ષ બાદ કપિલ ફિલ્મની સિક્વલ લઈને આવ્યા છે. આ વખતે વાર્તા તદ્દન અલગ છે, પરંતુ કપિલનો તે જ જૂનો કોમિક અંદાજ ચાહકોને ફરીથી હસાવવા માટે તૈયાર છે. જોકે, આ વખતે બોક્સઓફિસ પર તેની ફિલ્મની હરીફાઈ બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે છે, જે જોવું ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે.
કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂં 2’ બારમી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના ટ્રેલરને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ રિલીઝ સમયે બોક્સઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’નો દબદબો હતો. ‘ધુરંધર’ની લોકપ્રિયતાને કારણે કપિલની ફિલ્મની કમાણી પર અસર પડી અને પ્રથમ દિવસે ફિલ્મે માત્ર 1.85 કરોડ રૂપિયાની સામાન્ય શરૂઆત કરી હતી. પરંતુ બીજા દિવસે કપિલની ફિલ્મે બોક્સઓફિસ પર મજબૂત પકડ જમાવી છે.

રિપોર્ટના આંકડા પ્રમાણે કપિલ શર્માની ફિલ્મે બીજા દિવસે જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. શનિવારે આ ફિલ્મે 2.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જેનાથી બે દિવસની કુલ કમાણી 4.35 કરોડ રૂપિયાએ પહોંચી છે. ભારતમાં શનિવારે ફિલ્મની ઓક્યુપન્સી 26.63% રહી હતી, જે દર્શાવે છે કે સાંજ અને રાતના શોમાં લોકો મોટી સંખ્યામાં કોમેડી ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. રણવીર સિંહની ‘ધુરંધર’ના બીજા સપ્તાહમાં પણ કપિલે પોતાનું સ્થાન બનાવી લીધું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કપિલ શર્માની આ ફિલ્મનું બજેટ આશરે 35 કરોડ રૂપિયા છે. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ્સના મતે જો આ ફિલ્મને બોક્સઓફિસ પર ‘હિટ’ સાબિત થવું હોય તો તેણે 50 કરોડથી વધુની કમાણી કરવી પડશે. જોકે, જે પ્રકારે ‘ધુરંધર’ની કમાણી ચાલુ છે, તે જોતા કપિલ માટે આ રસ્તો થોડો મુશ્કેલ લાગી રહ્યો છે. હવે આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે કપિલ શર્મા ફરી બોક્સઓફિસ પર પોતાનો જાદુ ચલાવી શકે છે કે નહીં.
આ પણ વાંચો…દિલ્હી પોલીસને મોટી સફળતા, કૅનેડામાં કપિલ શર્માના કૅફે પર ફાયરિંગ કરાવનાર ગૅંગસ્ટરની ધરપકડ



