
2025ની સૌથી ચર્ચિત ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, અને હવે તે રાષ્ટ્રપતિ ભવનના પડદે પણ ચમકવા જઈ રહી છે. ઋષભ શેટ્ટીની આ થ્રિલર ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે, અને તેની ખાસ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવાની જાહેરાતે ફિલ્મની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે. જે ફિલ્મની સફળતા અને તેના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરે છે.
માત્ર ત્રણ દિવસ પહેલા રિલીઝ થયેલી ‘કાંતારા ચેપ્ટર 1’ની ખાસ સ્ક્રીનિંગ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવા જઈ રહી છે, જે ફિલ્મની લોકપ્રિયતાનો પુરાવો છે. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા-નાયક ઋષભ શેટ્ટી અને લીડ એક્ટ્રેસ રુક્મિણી વસંત સહિતની સ્ટાર કાસ્ટ હાજર રહેશે. મીડિયા અહેવાલો અનુસાર, આ સ્ક્રીનિંગ ફિલ્મની સફળતાને એક ઐતિહાસિક ગૌરવ આપશે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

‘કાંતારા ચેપ્ટર 1’એ બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યું છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે ત્રીજા દિવસે પૅન ઈન્ડિયા 55 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું, જેમાં હિન્દી બેલ્ટમાં 19-20 કરોડ રૂપિયાની કમાણીનો સમાવેશ છે. પ્રથમ વીકએન્ડમાં ફિલ્મની કુલ કમાણી 162.85 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, અને એવી અપેક્ષા સેવાઈ રહી છે કે આજે તે 200 કરોડના કલેક્શન ક્લબમાં પ્રવેશ કરી લેશે. આ આંકડાઓ ફિલ્મની લોકપ્રિયતા અને દર્શકોના પ્રેમને સ્પષ્ટ કરે છે.
‘કાંતારા ચેપ્ટર 1’ એક રહસ્યમય અને પવિત્ર ભૂમિની કથા રજૂ કરે છે, જેમાં જૂની દંતકથાઓ અને સંઘર્ષોનું આકર્ષક ચિત્રણ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી, સપ્તમી ગૌડા, ગુલશન દેવૈયા, રુક્મિણી વસંત, જયરામ, પીડી સતીશ ચંદ્ર અને પ્રકાશ થુમિનાડ જેવા કલાકારોની શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. 2022માં આવેલા ફિલ્મના પ્રથમ ભાગે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો, અને આ બીજો ભાગ પણ તે જ રીતે દર્શકોના હૃદયમાં સ્થાન બનાવી રહ્યો છે.
આ પણ વાંચો…‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’એ બનાવ્યો રેકોર્ડ, રિલીઝના બે જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી