કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1: ઋષભ શેટ્ટીની આ ‘પ્રીક્વલ’ થિયેટરમાં જોવાય કે નહીં?

Kantara: A Legend – Chapter 1 review: વર્ષ 2022માં રિલીઝ થયેલી કાંતારા ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ ઓસ્કરમાં પણ પહોંચી હતી. જેથી ફિલ્મ મેકર્સે આ ફિલ્મનો બીજો પાર્ટ બનાવવાની જાહેરાત કરી હતી. જેથી આ ફિલ્મના ચાહકો તેના બીજા પાર્ટની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ત્રણ વર્ષ બાદ હવે આ ફિલ્મનો બીજો પાર્ટ થિયેટરમાં રિલીઝ થઈ ચૂક્યો છે. જોકે, સામાન્ય રીતે ફિલ્મોના બીજા પાર્ટમાં સિક્વલ જોવા મળતી હોય છે, પરંતુ કાંતારાના નિર્માતાઓએ તે ફિલ્મની પ્રિક્વલ બનાવી છે. આવો જાણીએ આ ફિલ્મ કેવી છે.
‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ની સ્ટોરી શું છે?
‘કાંતારા’ ફિલ્મની પ્રિક્વલ થિયેટર્સમાં ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ના ટાઈટલ સાથે રિલીઝ થઈ છે. કાંતારા ફિલ્મમાં જે પંજુલીની વાર્તા જોવા મળી હતી. તેની શરૂઆતની વાર્તા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ની સ્ટોરી પ્રાચીન કદંબ રાજવંશથી શરૂ થાય છે. એક ક્રૂર અને લોભી રાજા શક્તિ અને ખજાનાની શોધમાં ‘કાંતારા’ નામની પવિત્ર આદિવાસી ભૂમિ પર નજર નાખે છે. દેવતાઓની વિશેષ કૃપાથી આ ભૂમિ સુરક્ષીત છે. જેથી આ જગ્યા પર કબજો મેળવવાની તેનો ઈરાદો વધારે મજબૂત બનતો જાય છે. રાજાના બદઈરાદાઓ સામે પ્રકૃતિ પણ પોતાનો ગુસ્સો બતાવવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો: ‘કાંતારા ચેપ્ટર-1’એ એડવાન્સ બુકિંગમાં જ કરોડો છાપી લીધા, મેકર્સ થયા માલામાલ
કલાકારોએ પાત્રોને આપ્યો ન્યાય
ફિલ્મમાં સંસ્કૃતિ, શ્રદ્ધા અને અસ્તિત્વ માટેનો સંઘર્ષ જોવા મળે છે. આ સંઘર્ષના કંતારાનો રક્ષક બાર્મ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે કદંબ વંશના રાજા વિજયેન્દ્ર (જયરામ), તેનો ક્રૂર પુત્ર કુલશેખર (ગુલશન દેવૈયા) અને દયાળુ પુત્રી કનકવતી (રુક્મિણી વસંત)ના પ્રવેશથી જટિલતા વધે છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટીએ કંતારાના રક્ષક બાર્મની ભૂમિકા ભજવી છે. જ્યારે જયરામે રાજા વિજયેન્દ્ર, ગુલશન દેવૈયાએ ક્રૂર પુત્ર કુલશેખર તથા રુક્મિણી વસંતે કનકવતીની ભૂમિકા ભજવી છે. દરેકે પોતાના પાત્રને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુલશન દેવૈયાનો અભિનય દર્શકોના મનમાં સાચા અર્થમાં નફરત પેદા કરે છે.
થિયેટરમાં જોવા જેવી ફિલ્મ
ઋષભ શેટ્ટીએ લેખક, દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કર્યો છે. તેમનો “ગુલિગા” સિક્વન્સ અને ક્લાઇમેક્સ સિનેમાની મેજિકલ મુવમેન્ટ પૂરી પાડે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી કાંતારાની રહસ્યમય અને આધ્યાત્મિક દુનિયામાં દર્શકોને ડૂબાડે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના દૃશ્યોને વધારે જીવંત બનાવે છે. ફિલ્મનું એડિટિંગ પણ કાબિલેતારીફ છે. આજે રિલીઝ થયેલી આ ફિલ્મને વિવેચકોએ 3.5 સ્ટાર આપ્યા છે અને ફિલ્મને થિયેટરમાં જઈને જોવા જેવી ગણાવી છે.