Happy Birthday: એક્ટિંગ ક્વિનમાંથી કોન્ટ્રોવર્સી ક્વિન બનેલી અભિનેત્રીએ ન પરણવાનું કારણ આપતા કહ્યું કે…

ક્વિન ફિલ્મ કરીને પોતાની એક્ટિંગનો સિક્કો જમાવનારી અભિનેત્રી કંગના રનૌત આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. હવે અભિનેત્રી સાથે હિમાચલ પ્રદેશના મંડીની ભાજપની સાંસદ બનેલી કંગના સતત વિવાદોમાં રહે છે.
તેની ફિલ્મોની યાદી કરતા તેણે ઊભા કરેલા વિવાદો અને તેનાં સ્ફોટક નિવેદનોની યાદી કદાચ લાંબી હશે, જોકે તેથી તેની અભિનય ક્ષમતાને જરાપણ ઓછી આંકી શકાય તેમ નથી. ફિલ્મ ફેશનથી માંડી છેલ્લે ઈમરજન્સી સુધીની તેની ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર હીટ જાય કે ફ્લોપ, કંગનાના અભિનયના વખાણ થાય જ છે.

કંગનાનો અહીં સુધી પહોંચવાનો સંઘર્ષ ઘણી મહિલાઓને પ્રેરણા આપ તેવો છે. પરિવારના સાથ વિના તે અહીં સુધી પહોંચી છે. ફિલ્મજગતમાં કોઈપણ ઓળખાણ વિના પગ જમાવવા અઘરા છે અને હીરોઈન માટે ખાસ અઘરા છે ત્યારે કંગનાએ તે કરી બતાવ્યું છે.
આપણ વાંચો: કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ
વાત કરવાની છે કંગનાના લગ્ન કેમ નથી થયા તો આ બાબતે કંગનાએ પોતે જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. કંગનાનું નામ શેખર સુમનના દીકરા અધ્યયન સુમન અને રીતિક રોશન સાથે જોડાઈ ચૂક્યું છે. આ બન્ને કિસ્સાઓ ભારે ગાજ્યા હતા અને બોલવામાં કોઈને ન છોડતી કંગનાએ આ બન્નેને પણ છોડ્યા ન હતા.

લગ્ન વિશે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે મારા સામે એટલા બધા કોર્ટ કેસ છે કે હું સમન્સના જવાબ આપવામાંથી નવરી નથી પડતી. તેણે એક કિસ્સો પણ કહ્યો. તેણે કહ્યું કે એકવાર એક મુરતીયાના માતા-પિતા મારા ઘરે આવ્યા અને ત્યારે જ કોર્ટનું સમન્સ આવ્યું હતું. તેમને આ વાતની જાણ થઈ, પછી ક્યારેય તેમણે વાત જ ન કરી.
આપણ વાંચો: અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત સુધી આ ફિલ્મ સ્ટાર્સે પાઠવી મકરસંક્રાંતિની શુભેચ્છા
કંગનાએ 2024માં મંડીથી લોકસભાની બેઠક લડી અને તે જીતી ગઈ. જોકે બેઠક જીત્યાના ચાર-પાંચ દિવસમાં જ એરપોર્ટ પર એક મહિલા સુરક્ષીકર્મીએ તેને તમાચો મારી દેતા મોટો વિવાદ થયો હતો.
સાંસદ બન્યા બાદ ઈમરજન્સી ફિલ્મ પણ વિવાદોમાં રહી. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કોટકટી પર બનેલી આ ફિલ્મની રિલિઝ ડેટ વારંવાર ઠેલાઈ અને અંતે રિલિઝ થયા બાદ ફ્લોપ રહી જેને લીધે કંગનાને આર્થિક નુકસાન પણ થયું. જોકે કંગના પાસે સારી એવી સંપત્તિ છે તેવા મીડિયા અહેવાલો પણ આવતા રહે છે.
કંગનાએ હવે સાંસદ તરીકે પણ પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે ત્યારે આવનારા સમયમાં તે પોતાની હાલકડોલક ફિલ્મી કરિયર કઈ રીતે સાચવે છે તેના પર પણ સૌનીનજર રહેશે. કંગનાને બન્ને માટે શુભેચ્છા…