શિંદેનું ‘અપમાન’ કરવા બદલ કામરા માફી માગે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું ‘અપમાન’ કરવા બદલ માફી માગવી જોઈએ, જ્યારે પોલીસે શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના 12 કાર્યકરોની મુંબઈમાં કામરાએ જે સ્થળે વિવાદાસ્પદ વીડિયોનું શૂટિંગ કર્યું હતું તે સ્થળે તોડફોડ કરવા બદલ ધરપકડ કરી હતી.
વિધાનભવન સંકુલમાં ફડણવીસે કહ્યું હતું કે આવી કૃતિઓને સમર્થન આપનારા અર્બન નક્સલવાદીઓ અને ડાબેરી લિબરલ્સને પાઠ ભણાવવામાં આવશે. કામરાની કૃતિ અત્યંત નીંદનીય છે.
ફડણવીસે કહ્યું હતું કે 2024ની ચૂંટણીમાં લોકોએ દેખાડી દીધું છે કે કોણ ગદ્દાર છે અને કોણ ખુદ્દાર છે. લોકોએ શિંદે પર શિવસેના સ્થાપક બાળ ઠાકરેના વિચારોના ખરા વારસદાર હોવાનું મત્તું મારી દીધું છે.
આપણ વાંચો: કુણાલ કામરાનો શો યોજીને The Habitat studio મુશ્કેલીમાં ફસાયો; BMCએ ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી
લોકો પાસે કોમેડી અને કટાક્ષ કરવાની મુક્તિ છે, પરંતુ કોઈનું ઈરાદાપુર્વક અપમાન કરવાની વૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં. કામરાએ રાહુલ ગાંધી દ્વારા હાથમાં રાખવામાં આવેલી બંધારણની લાલ પુસ્તિકા દેખાડી હતી, પરંતુ બંનેમાંથી કોઈએ તેને વાંચી નથી. તેઓ પુસ્તિકા દેખાડીને તેમના વર્તનને ન્યાયી ઠેરવી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.
બંધારણ સ્પષ્ટ કહે છે કે જ્યારે તમે બીજાની સ્વતંત્રતા પર હુમલો કરો છો, ત્યારે તમારી પોતાની સ્વતંત્રતા મર્યાદિત થઈ જાય છે, એમ ફડણવીસે કહ્યું હતું. અમને રાજકીય કટાક્ષ સામે કોઈ વાંધો નથી. અમને તે ગમે છે અને અમે તેને બિરાદાવીએ પણ છીએ, પરંતુ બંધારણીય પદ પર બેઠેલા લોકો અને સંસ્થાનોને લક્ષ્ય બનાવવાની કૃતિને સહન કરવામાં આવશે નહીં.
આવી વૃત્તિઓને સમર્થન આપનારા અર્બન નક્સલ અને લેફ્ટ લિબરલ્સને પાઠ ભણાવવામાં આવશે. વાણી સ્વાતંત્ર્યનો બેફામ દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કામરાનો ઈતિહાસ જણાવે છે કે તેમને વડા પ્રધાન, ભારતના ચીફ જસ્ટિસ અને ન્યાયતંત્ર પર ટીકા કરવાની આદત છે. વિવાદ સર્જીને લોકપ્રિયતા મેળવવાની આદત છે.
શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે જણાવ્યું હતું કે જો કામરા બે દિવસમાં શિંદેની માફી નહીં માગે તો પાર્ટીના કાર્યકરો તેને રસ્તા પર ફરવા દેશે નહીં.
આપણ વાંચો: કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો
શિવસેનાના નેતાઓનું વર્તન મોદીની વાતથી વિરોધી
શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ તોડફોડ માટે શિંદેની આગેવાની હેઠળના સેનાના કાર્યકરોની ટીકા કરી હતી.
તાજેતરના પોડકાસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે ટીકા લોકશાહીનો આવશ્યક ભાગ છે. જોકે, ભાજપના શાસક ગઠબંધન ભાગીદારનું વર્તન મોદીએ જે કહ્યું તેનાથી વિરોધાભાસી છે, એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.
વિધાનસભા અને વિધાન પરિષદમાં ધમાલ
સોમવારે કામરા દ્વારા શિંદે પર કરાયેલી ટિપ્પણીથી રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં ભારે ધમાલ જોવા મળી હતી, જેના કારણે કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. વિધાનસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો જેમાં શિવસેનાના સભ્યોએ શિંદે પર કરેલા ‘ગદ્દાર’ ટિપ્પણી બદલ સ્ટેન્ડ-અપ કોમેડિયન સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી.
ટ્રેઝરી બેન્ચના સભ્યો સૂત્રોચ્ચાર કરતા ઉભા થયા હતા, સ્પીકર રાહુલ નાર્વેકરે કાર્યવાહી પાંચ મિનિટ માટે મુલતવી રાખી.
વિધાન પરિષદમાં, ટ્રેઝરી અને વિપક્ષી બેન્ચના વિધાનસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પગલે કાર્યવાહી દસ મિનિટ, ત્યારબાદ 15 મિનિટ અને પછી અડધા કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.
આપણ વાંચો: કુણાલ કામરાએ OLAના ગ્રાહકોનો અવાજ ઉઠાવ્યો, CEO ભાવિશ અગ્રવાલ રોષે ભરાયા
કામરાએ કશું ખોટું નથી કહ્યું: ઉદ્ધવ ઠાકરે

શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે કામરાએ કંઈ ખોટું કર્યું નથી. ‘કામરાએ ફક્ત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે હકીકતો જણાવી અને જાહેર અભિપ્રાય વ્યક્ત કર્યો હતો,’ એમ ઠાકરેએ દક્ષિણ મુંબઈના વિધાન ભવનમાં પત્રકારોને જણાવ્યું.
તેમણે કહ્યું હતું કે કામરાએ કશું ખોટું કર્યું નથી. આ ગદ્દારોને સોલાપુરકર અને કોરટકર નથી દેખાતા, જેમણે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. તેમણે સ્ટુડિયોને થયેલા નુકસાન માટે ભરપાઈ આપવાની માગણી કરી છે.
આપણ વાંચો: સલમાન ખાન કોમેડિયન કુણાલ કામરા સામે માનહાનીનો કેસ કરશે? નજીકના મિત્રએ કરી સ્પષ્ટતા
કામરાને શોધી કાઢવામાં આવશે: ગૃહ રાજ્યપ્રધાન
મહારાષ્ટ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશ કદમે કહ્યું કે કામરાના સ્થાનને શોધી કાઢવામાં આવી રહ્યું છે અને કાયદા મુજબ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પત્રકારો સાથે વાત કરતા, શિવસેનાના નેતા કદમે પણ કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને તેઓ કામરાની ટિપ્પણીને લઈને મુંબઈમાં સ્ટુડિયોમાં તોડફોડ કરનારા તેમના પક્ષના કાર્યકરોના કાર્યને પણ સમર્થન આપતા નથી, પરંતુ લોકોએ શિવસૈનિકોના રોષને સમજવો જોઈએ.
કાયદા અને બંધારણનું કોઈએ ઉલ્લંઘન ન કરવું: અજિત પવાર

કામરાની ટિપ્પણી પરના વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે કોઈએ પણ કાયદા અને બંધારણનું ઉલ્લંઘન ન કરવું જોઈએ, અને તેઓ શું બોલી રહ્યા છે તેનું ભાન રાખવું જોઈએ.
છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ જ્યારે નિવેદનો આપવામાં આવે ત્યારે કાયદાના માળખામાં રહીને નિવેદનો આપવા જોઈએ. દરેક વ્યક્તિએ સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે તેમના નિવેદનો નવા મુદ્દાઓ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિર્માણ ન કરે.
ફડણવીસે તોડફોડ કરનારા પાસેથી નુકસાન ભરપાઈ વસૂલ કરવી: સંજય રાઉત
શિવસેના (યુબીટી)ના નેતાસંજય રાઉતે સોમવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્ટુડિયોનું નુકસાન કરનારા શિવસૈનિકો પાસેથી નુકસાન ભરપાઈ વસૂલ કરવી જોઈએ. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્યની રાજધાનીમાં ગુંડા રાજ ચાલી રહ્યું છે. ફડણવીસ ગૃહ ખાતું સંભાળવા માટે અક્ષમ છે.
રાઉતે કહ્યું હતું કે કામરાએ પોતાની પેરડીમાં કોઈનું નામ લીધું નહોતું અને આવી આક્રમક પ્રતિક્રિયાનું કારણ જાણવા માગ્યું હતું. રાઉતે મુંબઈના પોલીસ કમિશનરના રાજીનામાની પણ માગણી કરી હતી.
તે સ્ટુડિયો ગેરકાયદે: પ્રતાપ સરનાઈક
રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે જે સ્ટુડિયોમાં કાર્યક્રમનું શૂટિંગ થયું હતું તે ગેરકાયદે હતો.
શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કામરાને ચેતવણી આપી હતી કે તેમને હવે મહારાષ્ટ્રમાં મુક્તપણે ફરવા દેવામાં આવશે નહીં અને દેશભરમાં પાર્ટીના કાર્યકરો તેમનો પીછો કરશે.
‘તેમને ભારત છોડીને ભાગી જવાની ફરજ પાડવામાં આવશે,’ એમ તેમણે એક સંદેશમાં કહ્યું હતું. મ્હસ્કેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે હાસ્ય કલાકાર કામરાએ ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા હતા અને શિંદેને નિશાન બનાવી રહ્યા હતા.
કામરા કોઈના ઈશારે શિંદેને લક્ષ્ય બનાવે છે: રામ કદમ
ભાજપના વિધાનસભ્ય રામ કદમે કહ્યું હતું કે કામરા કોઈના નિર્દેશ પર શિંદેને નિશાન બનાવી રહ્યા હોય તેવું લાગે છે.
‘જેમ જેમ તેમણે મર્યાદા ઓળંગી દીધી છે, તેમ તેમ અમે જ્યાં પણ તેમને જોશું ત્યાં તેમનો ચહેરો કાળો કરીશું,’ એમ પણ કદમે કહ્યું હતું.
કામરાને આપનું સમર્થન
આપ મુંબઈના પ્રમુખ પ્રીતિ શર્મા મેનને કહ્યું કે તેઓ કામરાને સમર્થન આપે છે. ‘અમે કુણાલ કામરાને સ્પષ્ટપણે ટેકો આપીએ છીએ. દેવેન્દ્ર ફડણવીસ માટે શરમજનક બાબત છે. એકનાથ શિંદેએ હમણાં જ બતાવ્યું છે કે ગૃહ પ્રધાન તરીકે તમારી પાસે શૂન્ય સત્તા છે. તમે નાગપુરમાં શાંતિ જાળવી શક્યા નહીં અને હવે તમે મુંબઈમાં તોડફોડ લાવી રહ્યા છો!’ એમ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું.
કાયદાની મજાક છે: સચિન સાવંત
રાજ્ય કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે સોમવારે જણાવ્યું હતું કે જ્યાં એક સામાન્ય બિન-દખલપાત્ર ગુનો ટકી શકતો નથી, ત્યાં એફઆઈઆર નોંધવામાં આવે છે અને આ ‘કાયદાની મજાક’ છે.
પોલીસે સરકારની ટીકા કરતી વખતે ઉપયોગમાં ન લઈ શકાય તેવા શબ્દોની યાદી પ્રકાશિત કરવી જોઈએ અને શાસક ગઠબંધનના નેતાઓ માટે શું યોગ્ય છે તે પણ જાહેર કરવું જોઈએ, એમ પણ સાવંતે જણાવ્યું હતું.