જાનવર જેવું વર્તન ન કરો: ભીડ બેકાબૂ બનતા કૈલાશ ખેર કોન્સર્ટ છોડીને ભાગ્યો

ગ્વાલિયર: વર્ષ 2024થી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ‘ગ્વાલિયર ગૌરવ દિવસ’ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે ગ્વાલિયરના મેળામાં જાણીતા ગાયક કૈલાશ ખેરના મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભીડ બેકાબૂ બની હતી. જેથી ભારે હોબાળો થયો હતો.
જાનવર જેવું વર્તન ન કરો
‘ગ્વાલિયર ગૌરવ દિવસ’ દિવસ નિમિત્તે ગ્લાલિયરના મેળા મેદાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ, અહીં જ્યારે સાંજે કૈલાશ ખેરનો કોન્સર્ટ શરૂ થયો, ત્યારે પરિસ્થિતિ વણસી હતી. કૈલાશ ખેરના ગીતો પર ઝૂમી રહેલી ભીડ અચાનક બેકાબૂ બની હતી. લોકોએ સિક્યુરિટી કોર્ડન તોડી સ્ટેજ તરફ ધસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભીડ હિંસક બની અને લોકો સ્ટેજની એકદમ નજીક પહોંચી ગયા, ત્યારે કૈલાશ ખેર ભારે રોષે ભરાયા હતા.
બેકાબૂ બનેલી ભીડને જોતા કૈલાસ ખેરે માઇક પરથી લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, “જો કોઈ અમારા ઈન્સ્ટ્રુમેન્ટની નજીક આવશે તો હું શો બંધ કરી દઈશ. અમે તમારી પ્રશંસા કરી અને તમે જાનવર જેવું વર્તન કરી રહ્યા છો. કૃપયા જાનવર જેવું વર્તન ન કરો.” કૈલાશ ખેરે સ્ટેજ પર હાજર કલાકારોની સુરક્ષા માટે પોલીસને પણ વિનંતી કરી હતી. પરંતુ ભીડ કાબૂમાં ન આવતા આખરે કૈલાશ ખેરે કોન્સર્ટ અધવચ્ચે જ અટકાવવાનો નિર્ણય લીધો હતો.
કોન્સર્ટ છોડીને ભાગ્યા કૈલાશ ખેર
દિવસે જે મેદાનમાં કડક સુરક્ષા હતી, ત્યાં રાત્રે યોજાયેલા કૈલાશ ખેરના કોન્સર્ટમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. પરંતુ આ દરમિયાન વ્યવસ્થા ખોરવાતા વહીવટીતંત્ર સામે સવાલો ઉભા થયા છે. ભીડમાં થયેલી અફરાતફરી અને ઉથલપાથલને કારણે કૈલાશ ખેર જેવા દિગ્ગજ ગાયકને અપમાનજનક સ્થિતિમાં શો છોડીને જવું પડ્યું હતું.



