જાપાનના ભૂકંપમાં ફસાયો Jr NTR અને પછી…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ સતત લાઈમલાઈટમાં રહેતા જ હોય છે. હાલમાં જાપાન ભૂકંપના આંચકાઓથી હચમચી ગયું છે અને એવામાં સાઉથના સુપર સ્ટાર Jr NTR જાપાનમાં જ ફસાયેલો હતો અને ફેન્સને જેવી આ વાતની જાણ થઈ એટલે તરત જ તેમણે પોતાના આ ફેવરેટ સ્ટાર્સની સુરક્ષા માટે કામના કરવાની શરૂઆત કરી દીધી હતી અને હવે તેના ફેન્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. Jr NTR ભારત પાથા આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે તે Jr NTR જાપાનમાં ફેમિલી સાથે વેકેશનનો આનંદ ઉઠાવી રહ્યો હતો.
છેલ્લાં કેટલાક સમયથી જાપાનની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભૂકંપે જાપાનના પશ્ચિમી ક્ષેત્રને હચમચાવી દીધું છે. આ કુદરતી હોનારતમાં કેટલાય લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાપાનના અધિકારીઓએ આ કુદરતી આફતને લઈને ચેતવણી પણ ઉચ્ચારી છે અને આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જ Jr NTRએ ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.
Jr NTRએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતની માહિતી આપી હતી. એક્ટરે લખ્યું હતું કે હું આજે જ જાપાનથી પાછો ભારત આવી ગયો છું. ભૂકંપના આંચકાઓને કારણે હું આઘાતમાં છું. આખું અઠવાડિયું હું જાપાનમાં રહ્યો છું અને ત્યાંના લોકો સાથે મારી પૂરેપૂરી સંવેદનાઓ છે. આશા રાખું છું કે જલ્દી જ બધું સામાન્ય થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે Jr NTR પત્ની લક્ષ્મી પ્રણતિ અને દીકરા અભય અને ભાર્ગવ સાથે જાપાન વેકેશન માણવા ગયો હતો. ઈન્ટરનેટ પર લોકો Jr NTRને ખૂબ જ પસંદ કરે છે અને જાપાન આ મુસીબતની ક્ષણમાંથી જેમ બને તેમ જલદી બહાર આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે.