પત્નીની જીદને કારણે માંડ માંડ બચ્યો જિતેન્દ્રનો જીવ.. ઘટના યાદ કરીને આજે પણ ગભરાય છે અભિનેતા
પ્રખ્યાત બોલીવુડ અભિનેતા જિતેન્દ્રએ પોતાની સાથે બનેલી એક ભયાનક ઘટના અને તેમાંથી કઇરીતે પોતાનો જીવ બચ્યો તેનું વર્ણન એક ઇન્ટરવ્યુમાં કર્યું હતું. અભિનેતાએ કહ્યું હતું કે આજે પણ એ ઘટનાને યાદ કરતા જ તેઓ આઘાતમાં સરી પડે છે અને પોતે સલામત રહ્યા એ માટે ઇશ્વરનો આભાર માને છે.
કરવાચૌથનો તહેવાર આપણા દેશના હિન્દી રાજ્યોમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, બોલીવુડ અભિનેતા જિતેન્દ્રની પત્નીએ પણ એ દિવસે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું, પરંતુ જિતેન્દ્રને શૂટિંગ માટે ચેન્નઇ જવાનું હતું. પત્ની શોભા કપૂરે ભારે જીદ કરી કે તેઓ શૂટિંગ કેન્સલ કરે અને પત્ની સાથે તહેવાર ઉજવે, કારણકે તેઓ રાત્રે પૂજા કરવાના હતા. પરંતુ જિતેન્દ્રએ તેમને સમજાવ્યા કે તેમનું જવું જરૂરી છે, જો તેઓ શૂટિંગ માટે ન જાય તો નિર્માતાઓને નુકસાન થાય એમ છે. આમ પત્નીને સમજાવીને જિતેન્દ્ર તો એરપોર્ટ જવા નીકળી ગયા.
એરપોર્ટ પર પહોંચીને તેમને ખબર પડી કે ફ્લાઇટ ડિલે છે. આ વાતને પગલે તેમને થયું કે ઘરે જઇને પત્નીની પૂજામાં સામેલ થઇ શકાય એમ છે, અને તેઓ ઘરે પરત ફર્યા. એ પછી પતિ પત્નીએ સાથે મળીને પૂજા કરી. કરવાચૌથમાં જ્યાં સુધી ચંદ્રમાના દર્શન ન થાય ત્યાં સુધી પતિની પૂજા થઇ શકતી નથી, આથી શોભાએ જીદ કરી કે ચંદ્રમાની પૂજા કર્યા બાદ જ જિતેન્દ્રએ નીકળવું. પત્નીની જીદ આગળ જિતેન્દ્ર ઝુકી ગયા. પરંતુ જ્યારે તેઓ પૂજા કરી રહ્યા હતા એ સમયે તેમના પાલીહિલ સ્થિત બંગલાની અગાસી પરથી આકાશમાં તેમને એક લાલ ગોળો તરતો દેખાયો, ગોળાની ફરતે આગની જ્વાળાઓ જેવી વસ્તુ લપેટાયેલી દેખાઇ રહી હતી.
થોડા સમય બાદ જિતેન્દ્રને ફિલ્મ નિર્માતાઓના ફોન પર ફોન આવવા લાગ્યા અને તેમને જાણ થઇ કે જે ફ્લાઇટમાં તેઓ મુંબઇથી ચેન્નઇ જવાના હતા તે ક્રેશ થઇ ગઇ હતી અને એક પણ મુસાફર બચ્યો ન હતો. ફિલ્મના કેટલાક ક્રૂ મેમ્બર તે ફ્લાઇટમાં સામેલ હતા જેમનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતુ, પરંતુ જિતેન્દ્ર તેમની પત્નીની જીદને કારણે બચી ગયા હતા.