મનોરંજન

ફિલ્મ ‘એનિમલ’ની સફળતાને ‘ખતરનાક’ ગણાવી જાવેદ અખ્તરે

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે 900 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઘણા દર્શકો આ ફિલ્મને લઈને પોતાનો વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ, હવે આ યાદીમાં જાવેદ અખ્તરનું નવું નામ પણ જોડાઈ ગયું છે.

જાવેદ અખ્તરે હાલમાં જ ફિલ્મ ‘એનિમલ’નું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે જો આવી ફિલ્મ સુપરહિટ થઈ જાય તો તે ખૂબ જ ખતરનાક બાબત છે. ઔરંગાબાદમાં ‘અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં જાવેદ અખ્તર સહિત અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો, જ્યાં જાવેદે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

જાવેદ અખ્તરે ‘એનિમલ’માં મહિલાઓને લઈને ફિલ્મના મુખ્ય પાત્રની વિચારસરણી વિશે વાત કરી હતી. તેને જે દ્રશ્ય યાદ હતું તે તૃપ્તિ ડીમરી અને રણબીર કપૂર વચ્ચે ફિલ્માવવામાં આવ્યું હતું. જાવેદ અખ્તરે કહ્યું હતું કે, “હું માનું છું કે આજે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે કસોટીનો સમય છે કે તેઓ કેવા પાત્રો બનાવવા માગે છે, જેની સમાજ પ્રશંસા કરે. ઉદાહરણ તરીકે, જો કોઈ મૂવી હોય જેમાં કોઈ પુરુષ સ્ત્રીને તેના જૂતા ચાટવાનું કહે અથવા જો કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવી તે ઠીક છે. અને જો ફિલ્મ સુપર ડુપર હિટ હોય તો તે ખૂબ જ ખતરનાક છે. આવા પાત્રોને કારણે સમાજ પણ અવઢવમાં છે. સમાજ એ નક્કી નથી કરી શકતો કે સાચુ શું છે અને ખોટું શું છે.

‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતનો સંદર્ભ આપતાં તેમણે જણાવ્યું હતું કે આ ગીત આવ્યું ત્યારે કરોડો લોકોએ એને વખાણ્યું હતું. ગીત હીટ થયું હતું. આ ડરામણી વાત છે. ફિલ્મ મેકર્સ કરતા ફિલ્મ જોવા જનારાઓની બહુ મોટી જવાબદારી છે કે કેવી ફિલ્મ બનવી જોઇએ. તેઓ જ નક્કી કરે છે કે ફિલ્મમાં કેવી વેલ્યુ હોવી જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button