31 દિવસમાં તૈયાર થયેલી આ ફિલ્મ ‘બોર્ડર 2’ને આપશે કાંટાની ટક્કર: જાણો તેમાં શું છે ખાસ…

મુંબઈ: 29 વર્ષ બાદ ‘બોર્ડર’ ફિલ્મની સિક્વલ ‘બોર્ડર 2’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અને સની દેઓલના ચાહકો તેના રિલીઝ થવાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે તેમની આતૂરતાનો અંત આવશે. કારણ કે, 23 જાન્યુઆરી, 2026ના રોજ ‘બોર્ડર 2’ ફિલ્મ થિએટર્સમાં રિલીઝ થશે. પરંતુ આ ફિલ્મ પર હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ફિલ્મનું સંકટ તોળાઈ રહ્યું છે.
‘બોર્ડર 2’ સાથે રિલીઝ થશે ‘દ્રૌપદી 2’ ફિલ્મ
23 જાન્યુઆરી, 2026ના રોજ ‘બોર્ડર 2’ સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘દ્રૌપદી 2’ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 2020માં આવેલી ‘દ્રૌપદી’ ફિલ્મની સિક્વલ છે. જેથી આ ફિલ્મ થિએટર્સમાં જનાર દર્શકોને બે ભાગમાં વહેંચી શકે છે. જોકે, ‘દ્રૌપદી 2’ ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો, કારણ કે તે ઇતિહાસકાર અન્નલ કંદરના પુસ્તક “મૂન્દ્રમ વલ્લાલા મહારાજા” પર આધારિત છે.

‘દ્રૌપદી 2’ ફિલ્મના ડિરેક્ટર મોહન જી. ક્ષત્રિયને મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ” આ ફિલ્મનું શૂટિંગ માત્ર 31 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે. ફિલ્મનો કુલ રનટાઇમ 2 કલાક 39 મિનિટ છે, જેમાંથી માત્ર 8-9 મિનિટનો ભાગ 2025માં સેટ છે, જ્યારે બાકીની ફિલ્મ દર્શકોને 14મી સદીના ઇતિહાસમાં લઈ જાય છે.” મોહન જી. ક્ષત્રિયને દાવો કર્યો છે કે ફિલ્મની ઐતિહાસિક ઘટનાઓ સંપૂર્ણપણે તથ્યો પર આધારિત છે, જોકે પાત્રોને રસપ્રદ બનાવવા માટે સિનેમેટિક ફિક્શનનો પણ ઉપયોગ કરાયો છે.
વિવાદો વચ્ચે પણ હિટ રહી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ‘દ્રૌપદી’ ફિલ્મના પ્રથમ ભાગ પર જાતિવાદ અને સામાજિક વિભાજનને પ્રોત્સાહન આપવાના આરોપો લાગ્યા હતા. જેથી મોટો વિવાદ સર્જાયો હતો. પરંતુ તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે ‘બોર્ડર 2’ ફિલ્મને ‘દ્રૌપદી 2’ ફિલ્મ કેવી ટક્કર આપે છે? ‘બોર્ડર 2’ ફિલ્મ દર્શકોને પોતાની તરફ ખેંચી લાવશે કે કેમ? એ 23 જાન્યુઆરીએ જ ખબર પડશે.



