ઇન્ડિયન આઇડલ 16’માં શ્રેયા ઘોષાલની વાપસી, જણાવી અધૂરી ઈચ્છા…

મુંબઈ: એવા ઘણા ટીવી રિયાલિટી શો છે, જે ભારતના છેવાડામાં છૂપાયેલી પ્રતીભાઓને સ્ટેજ આપવાનું કામ કરે છે. ‘ઇન્ડિયન આઇડલ’ પણ આવું જ એક પ્લેટફોર્મ છે. જે સિંગિગના ક્ષેત્રમાં લોકોને આગળ ધપાવવાનું કામ કરે છે. તાજેતરમાં ‘ઇન્ડિયન આઇડલ’ની 16મી સીઝન શરૂ થઈ છે. જેમાં “યાદોં કી પ્લેલિસ્ટ: જહાં આવાઝ આજ વાલી ઔર ગાને આપ વાલે” થીમ સાથે જૂના ગીતો અને નવી પ્રતિભાનું અનોખું મિશ્રણ જોવા મળશે. ત્યારે આ શોમાં જજ તરીકે આવેલ શ્રેયા ઘોષાલે પોતાની એક ઈચ્છા જણાવી છે.
‘ઇન્ડિયન આઇડલ’માં શ્રેયા ઘોષાલની વાપસી
‘ઇન્ડિયન આઇડલ’ની 16મી સીઝનમાં વિશાલ દદલાની, શ્રેયા ઘોષાલ અને બાદશાહ જજની ભૂમિકામાં જોવા મળશે. શોમાં પાછા ફરવા બદલ ઉત્સાહિત, શ્રેયા ઘોષાલ સ્પર્ધકોને પોતાનો અનુભવ અને પ્રોત્સાહન તો આપશે જ, પરંતુ સાથે જ સંગીત પ્રત્યેનો પોતાનો ઊંડો આદર પણ વ્યક્ત કરશે.
પોતાના સુમધુર અવાજ અને પ્રતિભાથી ભારતીય સિનેમાના ટોચના ગાયકોમાં સ્થાન મેળવનાર શ્રેયા, હંમેશા તેના પહેલાના સંગીતના દિગ્ગજો પ્રત્યે આદર દર્શાવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કયા મહાન સંગીતકાર અથવા ગાયિકા સાથે કામ કરવા માંગે છે, ત્યારે તેમનો જવાબ હૃદયસ્પર્શી હતો. તેમણે ખચકાટ વિના બે દિગ્ગજોના નામ લીધા હતા.
શ્રેયા ઘોષાલની ઈચ્છા શું છે?
શ્રેયાએ પોતાના મનની વાત કહેતા જણાવ્યું, “જો મને ભૂતકાળના કોઈ પણ દિગ્ગજ સંગીતકારો સાથે કામ કરવાની તક મળે, તો આવા ઘણા બધા છે. મને નથી લાગતું કે આ કોઈ માટે આશ્ચર્યજનક હશે, કારણ કે આખી દુનિયા જાણે છે કે હું લતા મંગેશકરજી અને આશા ભોંસલેજીની ખૂબ મોટી શિષ્ય અને ચાહક છું.”
ભારતના બુલબુલ લતા મંગેશકર જીને યાદ કરીને, શ્રેયા ઘોષાલે તેમની સૌથી મોટી અધૂરી ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, “જો મને તે સમયે લતાજી સાથે ગાવાની તક મળે, અથવા ફક્ત તેમનું લાઈવ પ્રદર્શન જોવાની, મારી સામે તેમનું ગાન સાંભળવાની તક મળે… ભલે હું દીવાલ પરની માખી હોઉં (ફક્ત સાક્ષી તરીકે), તો પણ હું મારી જાતને ખૂબ જ ધન્ય માનીશ.”
ઉલ્લેખનીય છે કે, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ, શ્રેયા ઘોષાલ હજુ પણ લતા મંગેશકર પ્રત્યે ઊંડો આદર ધરાવે છે, જેઓ તેમના માટે સૌથી મોટા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.