એક દિવસનો પીએમ બનીશ તો… Pankaj Tripathiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઊંચાઈઓ સર કરી લીધી છે અને એને ખાસ કોઈ વિશેષ પરિચયની આવશ્યકતા નથી. હાલમાં એક્ટર પંકજ ત્રિપાઠી તેની ફિલ્મ મેં અટલ હૂંના કારણે લાઈમલાઈટમાં છે. આ ફિલ્મ ભારતના ભૂતપૂર્વ દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે. આ જ ફિલ્મના પ્રમોશન વખતે જ્યારે પંકજને પૂછવામાં આવ્યું કે જો તેમને એક દિવસનો પીએમ બનાવવામાં આવે તો તેઓ શું કરવા માંગે છે? આવો જોઈએ શું કહ્યું પંકજ ત્રિપાઠીએ…
કરિયરના શરૂઆતના દિવસોમાં પારાવાર સંઘર્ષ કર્યા બાદ આજે પંકજ ત્રિપાઠી આજે એવા મકામ પર પહોંચી ગયા છે કે એમની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચના અને અનુભવી કલાકારોમાં કરવામાં આવે છે. હાલમાં જ તેમનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે એક દિવસના પીએમ બનાવવામાં આવશે તો શું કરશે એનો જવાબ આપ્યો હતો.
પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મને ખબર પડશે કે હું એક દિવસ માટે વડા પ્રધાન બન્યો છું એ જાણવા અને પચાવવામાં જ સમય લાગશે. ક્યાંથી કામ કરવાની શરૂઆત કરવાની છે અને કયા નિર્ણય લેવાના છે એ વિચારીશ ત્યાં સુધી તો મારો સમય પૂરો થઈ ગયો હશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠીના અભિનયના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. લોકોને ભલે ફિલ્મની વાર્તા પસંદ ના આવી હોય પણ લોકો પંકજની એક્ટિંગ સામે કોઈ સવાલ ઉઠાવી શકે એમ નથી.
ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીએ પણ નેપોટિઝમને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દુનિયાના દરેક ક્ષેત્રમાં નેપોટિઝમ થાય છે. પણ એ મુદ્દો ઉઠાવવામાં આવતો એટલે તેની જાણ થતી નથી. એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે જો પરિવારમાં બાળક પ્રતિભાશાળી હોય તો વસ્તુઓને પ્રતિભાથી માપવી જોઈએ.
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો અટલજીના બાળપણથી લઈને મોટા થવા અને રાજકારણની દુનિયામાં પ્રવેશવા સુધીના દરેક પાસાંઓને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. જ્યારથી ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે ત્યારથી લોકો પંકજ ત્રિપાઠીને આ બાયોપિકમાં એક્ટિંગ કરતાં જોવા માટે ઉત્સુક હતા.