બોલિવૂડમાં દિવાળીની ઝલક દેખાડતી આઇકોનિક ફિલ્મો
દિવાળી એટલે દેશમાં નાના-મોટા, ગરીબ-તવંગર, બધા લોકો દ્વારા વ્યાપકપણે ઉજવવામાં આવતો તહેવાર. પ્રકાશના આ તહેવારને દર્શાવવામાં બોલિવૂડ પણ પાછળ નથી. બોલિવૂડ દરેક તહેવાર સાથે જોડાણ ધરાવે છે. ગીતો અને દ્રશ્યોમાં ભવ્ય પરંપરાગત સમૂહો, ભવ્ય સેટ, અદભૂત ફટાકડા અને માટીના દીવાઓ સાથે બોલિવૂડે અનેક વાર દિવાળીના વૈભવ અને ભવ્યતાની ઉજવણી કરી છે. દિવાળીની પૂર્વસંધ્યાએ આપણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં દર્શાવાયેલા અને અમર બની ગયેલા દિવાળીના ભવ્ય સીન્સવાળી ફિલ્મોને યાદ કરીએ.
‘કભી ખુશી કભી ગમ’:
યાદીમાં ફિલ્મ કભી ખુશી કભી ગમનું નામ સૌથી પહેલું આવે. ફિલ્મના ટાઈટલ ટ્રેકની શરૂઆત દિવાળીના ગીતથી થાય છે. તે એવી ભવ્ય શૈલીમાં બતાવવામાં આવ્યું હતું કે દરેક સંયુક્ત કુટુંબ આ રીતે લગ્ન અને દિવાળી ઉજવવાનું સપનું જુએ છે. આ ગીત પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. કરણ જોહર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન અને કરીના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. મુવીમાં મુખ્યત્વે શાહરૂખ ખાન અને જયા બચ્ચન વચ્ચે દર્શાવવામાં આવેલ આઇકોનિક દિવાળી સીન દરેક સિનેમાપ્રેમીઓના દિલમાં કોતરાઇ ગયો છે.
‘વાસ્તવ’:
મહેશ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી સંજય દત્તની વાસ્તવ ફિલ્મ એક આઇકોનિક ફિલ્મ છે, એમાંનો દિવાળી પરનો તેનો એક સીન આવનારી પેઢીઓને પણ યાદ રહેશે. જ્યારે સંજય દિવાળી દરમિયાન તેની ચાલમાં પહોંચે છે અને તેની માતાને તેના ગળામાં પચાસ તોલાની ચેન બતાવે છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત નમ્રતા શિરોડકર, સંજય નાર્વેકર, મોહનિશ બહલ, પરેશ રાવલ અને શિવાજી સાટમ મુખ્ય ભૂમિકામાં હતા.
‘જંજીર’:
આ ક્લાસિક ફિલ્મમાં પ્રકાશના પર્વએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચનની ફિલ્મી કારકિર્દી સડસડાટ પાટે દોડવા લાગી હતી અને દેશને સુપરસ્ટાર મળ્યો હતો અને અમિતાભને એંગ્રી યંગમેનનું બિરુદ પણ મળ્યું છે. પ્રકાશ મહેરાના ડિરેકશનમાં બનેલી આ ફિલ્મની શરૂઆત દિવાળીના સીનથી થઇ હતી, જેમાં જંજીર લખેલા ચાર્મ બ્રેસલ્ટે પહેરેલા અજાણ્યો વ્યક્તિ બાળક વિજય ખન્નાની નજર સામે તેના માતા-પિતાની હત્યા કરે છે અને પછી શરૂ થાય છે એંગ્રી યંગ મેન વિજય ખન્નાની પ્રતિશોધની આગ…. ફિલ્મના ક્લાઇમેક્સમાં પણ દિવાળીના સીન્સ દર્શાવવામાં આવ્યા છે જેમાં વિજયને તેના માતા-પિતાના હત્યારાની જાણ થાય છે. સલીમ ખાન અને જાવેદ અખતર દ્વારા લખાયેલી આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત જયા બચ્ચન, પ્રાણ, બિંદુ, ઇફ્તેખાર પણ મુખ્ય ભૂમિકામાં હતા.
‘હમ આપકે હૈ કૌન’ :
સલમાન ખાન અને માધુરી દિક્ષીત સ્ટારર હમ આપકે હૈ કૌનના ગીત ધીક તાના ધીક તાના ધીક તાના…માં દિવાળીના દ્રશ્યની થોડી મિનિટો બતાવવા માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આજે પણ જ્યારે બોલીવુડમાં દિવાળીનો ઉલ્લેખ થાય છે ત્યારે આ ફિલ્મ અને આ દ્રશ્યની યાદો તાજી થઈ જાય છે. આ ગીતમાં નાથ ફેમિલીનું ઘર દિવાળીના પર્વ માટે સજાવવામાં આવ્યું હોય છે, જ્યાં પરિવારના બધા સભ્યો સાથે મળીને દિવાળી મનાવવા ભેગા થાય છે અને હર્ષોલ્લાસથી દિવાળીની ઉજવણી કરતા દર્શાવાયા છે. ફિલ્મમાં દિવાળીની પરંપરા, રિવાજ, ઘરમાં લાઇટિંગનો શણગાર, વાઇબ્રન્ટ વાતાવરણ બધું જ ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે.
‘ચાચી 420’ઃ
દિવાળી એટલે ધૂમધડાકા અને ફટાકડા ફોડવાની મોસમ. દિવાળીની ફટાકડાની ધૂમને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે, પણ આ ફિલ્મનો એક સીન યાદગાર છે, જે ફટાકડા ફોડતી વખતે બાળકોની અને સહુની સુરક્ષાનું ધ્યાન રાખવાનું મહત્વ દર્શાવે છે. આ ફિલ્મમાં કમલ હસન ક્રોસ ડ્રેસમાં ઘરની નેની (બાળક રાખવાવાળી આયા) લક્ષ્મી ગોડબોલે નામની મહિલાની ભૂમિકા ભજવે છે. દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે આગ લાગે છે, એ સમયે લક્ષ્મી ગોડબોલે ભાગીને તેની દીકરીની જાન બચાવે છે. આ ફિલ્મ અંગ્રેજી ફિલ્મ ‘મિસિસ ડાઉટફાયર’ની હિંદી આવૃતિ હતી. આ ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત તબુ, અમરીશ પુરી, ઓમ પુરી, પરેશ રાવલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં હતા.
આ ફિલ્મોને યાદ કરીને આપણે દિવાળીની ઉજવણી કરીએ.