મનોરંજન

‘મર્યો નથી હું, હજી જીવિત છું….’ સાજિદ ખાને આવી સ્પષ્ટતા કેમ કરવી પડી

મુંબઇઃ બોલિવૂડ નિર્દેશક સાજિદ ખાને હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ જીવિત હોવાની સ્પષ્ટતા કરતા જોવા મળે છે. તેમણે આવી સ્પષ્ટતા કેમ કરવી પડી એનું કારણ પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે.

હાઉસફૂલ જેવી મનોરંજક ફિલ્મ બનાવનાર અને દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાનના ભાઈ સાજિદ ખાનના મૃત્યુની અફવા ફેલાઇ હતી, જેને કારણે લોકોને મોટો આંચકો લાગ્યો હતો અને તેઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ડાયરેક્ટરે પોતે સોશિયલ મીડિયા પર આવીને સ્પષ્ટતા આપવી પડી હતી કે તેઓ જીવિત છે અને તેમને કંઈ થયું નથી. ડિરેક્ટરે ખુદ વીડિયોમાં જણાવ્યું છે કે તેમણે આવી સ્પષ્ટતા શા માટે કરવી પડી. તેમણે ગંભીર બાબતોને ફની રીતે ચાહકો સમક્ષ રજૂ કરી છે.

સાજિદ ખાને વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘હું ભૂત છું, હું સાજિદ ખાનનું ભૂત છું, હું તમને બધાને ખાઈ જઈશ, સાજિદ ખાનની આત્માને શાંતિ આપો… નથી મળતી! મને શાંતિ કેવી રીતે મળશે,આ સાજિદ ખાન 70ના દાયકાનો છે. 1957માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં સુનીલ દત્તના નાના બાળકનો રોલ નિભાવનાર ચાઇલ્ડ આર્ટિસ્ટનું નામ સાજિદ ખાન હતું.

તેનો જન્મ 1951માં થયો હતો, મારો જન્મ વીસ વર્ષ પછી થયો હતો. તેમનું અવસાન થયું છે અને તેમની આત્માને શાંતિ મળે, પરંતુ મારા કેટલાક બેજવાબદાર મીડિયા મિત્રો, મીડિયાના લોકોએ મારો ફોટો મૂક્યો છે. ગઈ રાતથી અત્યાર સુધી મને RIP મેસેજ આવી રહ્યા છે, મને ફોન પણ આવી રહ્યા છે કે તમે જીવિત છો? અરે ભાઈ, તમારા આશીર્વાદથી હું જીવતો છું, મર્યો નથી. હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે હું જીવિત છું અને સાજિદ ખાનની આત્માને શાંતિ મળે.

તેમણે આ વીડિયો સાથે એક ટેક્સ્ટ પણ આપી હતી, જેમાં લખ્યું હતું કે અફવાઓ પર રોક લગાવવી જોઈએ. હું હજી જીવિત છું. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘RIP સાજિદ ખાન (1951-2923)…આ હું નથી, મીડિયામાં ભૂલથી મારી તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’

તાજેતરમાં બાળ કલાકાર સાજીદ ખાનના નિધનના સમાચાર સામે આવ્યા હતા. આ અંગે મૂંઝવણ ઊભી થઈ હતી. કેટલાક લોકો માનતા હતા કે દિગ્દર્શક સાજિદ ખાન મૃત્યુ પામ્યા છે, પણ હકીકત કંઇક બીજી જ હતી. ફિલ્મ મધર ઇન્ડિયામાં બેબી સુનિલ દત્તનો રોલ કરનાર સાજિદ ખાનનું મૃત્યુ થયું છે. ફરાહ ખાનનો ભાઇ સાજિદ ખાન છેલ્લે ‘બિગ બોસ 16’ના ઘરમાં જોવા મળ્યો હતો. સાજિદ ખાન તેની ફિલ્મના કારણે ફિનાલે પહેલા જ ઘરની બહાર નીકળી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button