એ.આર. રહેમાનને કેવી રીતે મળી "ખ્વાજા મેરે ખ્વાજા" ગીત બનાવવાની પ્રેરણા: જાણો રસપ્રદ વાત | મુંબઈ સમાચાર
મનોરંજન

એ.આર. રહેમાનને કેવી રીતે મળી “ખ્વાજા મેરે ખ્વાજા” ગીત બનાવવાની પ્રેરણા: જાણો રસપ્રદ વાત

મુંબઈ: ઇતિહાસકારો અકબરને મુઘલ સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ બાદશાહ ગણાવે છે. અકબર બાદશાહની શ્રેષ્ઠતાને બોલીવૂડની ‘મુઘલ-એ-આઝમ’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. ‘જોધા અકબર’ ફિલ્મમાં અકબર અને રાણી જોધાબાઈની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. જેમાં એ.આર. રહેમાને કંપોઝ કરેલા ગીતોએ ચાર ચાંદ લગાવ્યો હતો. આ ફિલ્મમાં “ખ્વાજા મેરે ખ્વાજા” ગીત પણ છે. એ.આર. રહેમાનનું કહેવું છે કે, આ ગીત ‘જોધા અકબર’ ફિલ્મ માટે તૈયાર કરવામાં આવ્યું ન હતું. એ.આર. રહેમાને આ ગીત કેવી રીતે તૈયાર કર્યું? તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે.

અજમેર શરીફ દરગાહથી મળી પ્રેરણા

તાજેતરમાં એ.આર. રહેમાને મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું છે. જેમાં તેમણે “ખ્વાજા મેરે ખ્વાજા” ગીત કેવી રીતે બન્યું? તેની સ્ટોરી જણાવી છે. એ.આર. રહેમાને જણાવ્યું કે, ‘જોધા અકબર’ ફિલ્મનું પ્રખ્યાત ગીત “ખ્વાજા મેરે ખ્વાજા” આશુતોષ ગોવારિકરની આ ફિલ્મ માટે કંપોઝ કરવામાં આવ્યું ન હતું. આ ગીત બનાવવાનો વિચાર મને અજમેર શરીફ દરગાહના એક ખાદિમ તરફથી મળ્યો હતો, જેમણે તેમને “ખ્વાજા” ને સમર્પિત ગીત કંપોઝ કરવા માટે પ્રેરિત કર્યા હતો.

એ.આર. રહેમાને ગીત માટેની પ્રેરણા અંગે જણાવ્યું કે, “હું અજમેર ગયો હતો. ત્યારે મને એક ખાદિમે કહ્યું કે તમે ખ્વાજા પર કોઈ ગીત કેમ નથી બનાવતા. તમે તો ‘પીયા હાજી અલી’ ગીત બનાવ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે, મને સમજાતું નથી, સૂર મળી રહ્યા નથી. તમે દુઆ કરો કે મને કશું મળી જાય. ત્યારબાદ એકવાર હું ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટમાં હતો અને એક રોમેન્ટિક ગીત કંપોઝ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મને યોગ્ય ધૂન ન મળી. પછી મેં વિચાર્યું કે શા માટે આ ધૂનનો ઉપયોગ ‘ખ્વાજા’ને સમર્પિત ગીત તરીકે ન કરવામાં આવે? મેં તરત જ આખું ગીત રેકોર્ડ કર્યું અને ગીતકાર કાશિફ પાસે તેના શબ્દો લખાવ્યા હતા. આમ, આ ગીત તૈયાર થયું હતું.”

આશુતોષ ગોવારિકરે કરી ગીતની માંગણી

એ.આર. રહેમાને આગળ જણાવ્યું કે, આ ગીત તૈયાર કર્યાના લગભગ એક વર્ષ બાદ આશુતોષ ગોવારિકર મારી પાસે ‘જોધા અકબર’ની વાર્તા લઈને આવ્યા હતા. તેમણે મને મુઘલ સમ્રાટ અકબર (ઋતિક રોશન) અજમેરની ખ્વાજા દરગાહ શરીફની મુલાકાત લે છે, તે સીન સમજાવ્યો. ત્યારે મેં તેમને કહ્યું કે, વાહ, મારી પાસે એક ગીત છે. ત્યારે આશુતોષ ગોવારિકરે મને કહ્યું કે, મને ગીત નહીં, ફક્ત બે લાઈન જોઈએ છે. પરંતુ મેં આષુતોષને આખું ગીત સાંભળવા કહ્યું.

એ.આર. રહેમાને વધુમાં જણાવ્યું કે, “આખું ગીત સાંભળ્યા પછી, ગોવારિકર એટલા પ્રભાવિત થયા કે તેમણે મારો હાથ પકડીને કહ્યું કે મને આ ગીત આપી દો. ત્યારે મેં એક શરત મૂકી કે, “તમે આ ગીતમાં કોઈ ફેરફાર કરશો નહીં. અંતે ‘જોધા અકબર’ ફિલ્મમાં આ ગીત ઉમેરાયું.” જોકે, આ ગીત પછીના બે વર્ષમાં જ એ.આર. રહેમાનને ઓસ્કાર મળ્યો હતો.

આપણ વાંચો : એ અફવાને કારણે અમિતાભ બચ્ચન ‘એન્ગ્રી મેન’ બની ગયા હતા, જાણો કારણ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button