હોલીવુડની ‘કોન્જ્યુરિંગ’એ ‘બાગી 4’ને પછાડી, જાણો ભારતમાં પહેલા દિવસે કેટલી કમાણી કરી

‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’, એડ અને લોરેન વોરેનની પેરાનોર્મલ તપાસની છેલ્લી ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ રિલીઝ થયેલી આ હોલીવુડ હોરર ફિલ્મે બોલીવુડની મોટી ફિલ્મોને પછાડીને રેકોર્ડબ્રેક કમાણી કરી છે. દર્શકોના ઉત્સાહ અને એડવાન્સ બુકિંગની ભારે માગે આ ફિલ્મને ભારતમાં હોરર ફિલ્મોનો નવો બેન્ચમાર્ક બનાવ્યો છે.
પહેલા દિવસની રેકોર્ડબ્રેક કમાણી
મીડિયા રિપોર્ટ પ્રમાણે અનુસાર, ‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’એ રિલીઝના પહેલા દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં 18 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી, જે ભારતમાં તમામ હોલીવુડ હોરર ફિલ્મની સૌથી મોટી ઓપનિંગ છે.
આ ફિલ્મે બોલીવુડની ‘બાગી 4’ અને ‘ધ બેંગલ ફાઈલ્સ’ જેવી ફિલ્મો સાથે સ્પર્ધા હોવા છતાં, દર્શકોને સિનેમાઘરોમાં ખેંચવામાં સફળતા મેળવી છે. ફિલ્મ 2200થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ, અને ખાસ કરીને આ ફિલ્મના તમામ નાઈટ શોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
ફિલ્મની ઓક્યુપન્સી રેટ પણ તેની લોકપ્રિયતાની સાક્ષી આપે છે. અંગ્રેજી 2D ફોર્મેટમાં ફિલ્મે 61.10% ઓક્યુપન્સી નોંધાવી, જે સવારના શોમાં 44%થી શરૂ થઈને રાત્રિના શોમાં 78% સુધી પહોંચી. હિન્દી વર્ઝનમાં 49.61% અને 4DX ફોર્મેટમાં 91% જેટલી ઓક્યુપન્સી જોવા મળી, ખાસ કરીને હૈદરાબાદ જેવા શહેરોમાં 99-100% ઓક્યુપન્સી નોંધાઈ.
આ ફિલ્મની એડવાન્સ બુકિંગે પણ રેકોર્ડ તોડ્યો, જેમાં 2.27 લાખ ટિકિટો ટોચની ત્રણ સિનેમા ચેઈન્સ (PVR, INOX, Cinepolis)માં વેચાઈ. આ ફિલ્મની લોકપ્રિયતા અને ફેન બેઝની મજબૂતી દર્શાવે છે.
‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’એ બોલીવુડની ‘બાગી 4’ (12 કરોડ) અને ‘ધ બેંગલ ફાઈલ્સ’ (1.75 કરોડ) જેવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સરળતાથી પછાડી દીધી. આ ઉપરાંત, ગયા વર્ષે અજય દેવગનની ‘શૈતાન’ની 17.50 કરોડની ઓપનિંગને પણ આ ફિલ્મે માત આપી છે.
વૈશ્વિક સ્તરે પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં યુએસમાં 8.5 મિલિયન ડોલરની પ્રિવ્યૂ કમાણી અને 66 દેશોમાં 50 મિલિયન ડોલરની અપેક્ષિત કમાણી સાથે વૈશ્વિક ઓપનિંગ 100 મિલિયન ડોલરને પાર કરે તેવી શક્યતા છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે આ ફિલ્મ ભારતમાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે હોલીવુડ હોરર ફિલ્મ માટે પ્રથમ હશે.
માઈકલ ચાવ્સ દ્વારા ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પેટ્રિક વિલ્સન અને વેરા ફાર્મિગા એડ અને લોરેન વોરેનની ભૂમિકામાં પરત ફર્યા છે, જ્યારે મિયા ટોમલિન્સન અને બેન હાર્ડીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
આ ફિલ્મ ‘ધ કોન્જ્યુરિંગ’ શ્રેણીનો નવમો અને અંતિમ ચેપ્ટર છે, જે સ્મર્લ ફેમિલીના હોન્ટિંગ પર આધારિત છે. જોકે, મિશ્ર રિવ્યૂ હોવા છતાં, ફેન્સનો ઉત્સાહ અને ફ્રેન્ચાઈઝની લોકપ્રિયતાએ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ટોપ પર પહોંચાડી છે.