હંસલ મહેતાની ગાંધી સિરીઝમાં હેરી પોટર સ્ટારની થઇ એન્ટ્રી
હંસલ મહેતાની વેબસિરીઝ ‘ગાંધી’માં પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર’ ના એક્ટર ટોમ ફેલ્ટનની એન્ટ્રી થઈ છે. હંસલ મહેતાએ ગુરુવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. એક્ટર ટોમ ફેલ્ટન ‘હેરી પોટર’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા હતા. ‘હેરી પોટર’ ફિલ્મ જે. ના. રોલિંગની સૌથી વધુ વેચાતી પુસ્તક શ્રેણી પર આધારિત છે. ભારતમાં પણ ‘હેરી પોટર’ના ચાહકો મોટી સંખ્યામાં છે. ખાસ કરીને બાળકોમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હંસલ મહેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. મહેતાએ પોસ્ટ કરીને લખ્યું, ‘અમારું શૂટિંગ ચાલી રહ્યું છે. હું આંતરરાષ્ટ્રીય કલાકારો ટોમ ફેલ્ટન, લિબી મે, મોલી રાઈટ, રાલ્ફ એડેની, જેમ્સ મુરે, લિન્ડન એલેક્ઝાન્ડર, જોનો ડેવિસ, સિમોન લેનન જેવા કલાકારો સાથે કામ કરીને હું રોમાંચિત છું.
આ સિરીઝમાં ‘સ્કેમ 1992’ એક્ટર પ્રતીક ગાંધી મહાત્મા ગાંધીના રોલમાં જોવા મળશે. જ્યારે ભામિની ઓઝા કસ્તુરબા ગાંધીનું પાત્ર ભજવશે. આ પુસ્તક રામચંદ્ર ગુહાના બે પુસ્તકો, ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ પર આધારિત છે. ‘ગાંધી’ સિરીઝનું નિર્માણ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે. આ સિરીઝનું શૂટિંગ ભારત અને વિદેશમાં ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. સિદ્ધાર્થ બસુ આ પ્રોજેક્ટ સાથે ઐતિહાસિક, હકીકતલક્ષી અને સર્જનાત્મક સલાહકાર તરીકે સંકળાયેલા છે.
જ્યારથી આ સિરીઝની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી તેના ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.