ધર્મેન્દ્ર પછી ગોવિંદાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, અભિનેતાએ ચાહકોને કયો ‘હેલ્થ મંત્ર’ આપ્યો?

મુંબઈ: બોલીવુડના હીમેન ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી હવે ગોવિંદાને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેતા ગોવિંદાને અચાનક અસ્વસ્થતા થવાને કારણે 10 નવેમ્બર 2025ની મધ્યરાત્રિએ જુહુની ક્રિટીકેર હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે ટૂંકી સારવાર બાદ ગોવિંદાની તબિયતમાં સુધારો આવ્યો છે. જેથી ગોવિંદાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
‘વધુ મહેનત અને થાકને કારણે અસ્વસ્થતા’
મંગળવારની રાત્રે ગોવિંદા ઘરમાં જ બેભાન થઈ ગયો હતો. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલે આ વાતની પુષ્ટિ કરી હતી. જોકે, ડોકટરોની સારવાર બાદ ગોવિંદા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોતાના અચાનક અસ્વસ્થ થવાનું કારણ પણ જણાવ્યું છે.
ક્રિટીકેર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ હોસ્પિટલની બહાર ગોવિંદા કાળા ટી-શર્ટ, મરૂન જેકેટ, જીન્સ અને સનગ્લાસમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાત કરતી વખતે ગોવિંદાએ જણાવ્યું હતું કે, “હું ઠીક છું. મેં ખૂબ મહેનત કરી છે અને થાકી ગયો હતો. મને યોગ અને પ્રાણાયામ કરવાનું સારું લાગે છે. ભારે કસરત કરવી મુશ્કેલ છે. હું મારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે યોગ અને પ્રાણાયામ કરવું એ શ્રેષ્ઠ વસ્તુ છે.”
કેવી રીતે બગડી ગોવિંદાની તબિયત
ગોવિંદાના નજીકના મિત્ર લલિતે બિંદલે મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે ગોવિંદાને અસ્વસ્થતા મહેસૂસ થઈ હતી. જેથી તેણે ફેમિલી ડૉક્ટરની સલાહ લીધી અને દવા લઈને સૂઈ ગયો હતો. રાત્રે લગભગ 12 વાગ્યે, તેને તકલીફ થવા લાગી અને ગૂંગળામણ અનુભવવા લાગી. તેથી તેણે મને ફોન કર્યો. અમે ગોવિંદાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. આ સમયે ગોવિંદાની પત્ની સુનિતા લગ્ન માટે શહેરની બહાર હતી, જ્યારે પુત્રી ટીના કામ માટે ચંદીગઢમાં હતી.
ધર્મેન્દ્રના પૂછ્યા ખબરઅંતર
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા તાજેતરમાં જ બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે પીઢ અભિનેતા ધર્મેન્દ્રના ખબરઅંતર પૂછવા ગયા હતા. હવે ધર્મેન્દ્રને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે પ્રેમ ચોપરાની તબિયતમાં પણ સુધારો આવ્યો છે. ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. એવી પુષ્ટી પ્રેમ ચોપરાના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લાએ કરી છે.
આ પણ વાંચો…ધર્મેન્દ્ર બાદ ગોવિંદાની પણ તબિયત લથડી, ઘરમાં જ બેભાન થતાં કરવામાં આવ્યો દાખલ



