ગૂગલ જેમિનીનું ફિચર ઉપયોગ કરવાનું જો જો ભારે પડે નહીં, મહિલાઓ ચેતજો!

ઇન્ટરનેટની દુનિયામાં હાલ ગૂગલ જેમિનીનું ‘બનાના એઆઈ સાડી ટ્રેન્ડ’ ખૂબ ચર્ચામાં છે, જેમાં લોકો પોતાના ફોટો અપલોડ કરીને એઆઈની મદદથી સાડી પહેરેલી તસવીરો બનાવે છે. પરંતુ આ ટ્રેન્ડની વચ્ચે એક મહિલાનો અનુભવ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેણે એઆઈએ બનાવેલી તસવીરમાં એવી વિગતો જોઈ કે જે તેના મૂળ ફોટોમાં હતી જ નહીં. આ ઘટનાએ ટેકનોલોજીની શક્તિ અને ગોપનીયતાના મુદ્દાઓને ચર્ચામાં લાવી દીધા છે, જે લોકોને વધુ સાવચેતી રાખવા પ્રેરે છે.
મહિલાનો ચોંકાવનારો અનુભવ
એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેણે ગૂગલ જેમિનીના સાડી ટ્રેન્ડમાં ભાગ લઈને પોતાનો ફોટો અપલોડ કર્યો હતો. જ્યારે એઆઈએ બનાવેલી તસવીર જોઈ તો તે ડરી ગઈ, કારણ કે તેમાં તેના શરીરના એક ભાગ પર તલ દેખાયો, જે તેના અપલોડ કરેલા ફોટોમાં નહોતો. તેણે કહ્યું, “આ ખૂબ જ ડરામણું અને વિચિત્ર છે. મને સમજાતું નથી કે એઆઈને આ માહિતી કેવી રીતે મળી.” આ વીડિયોને 70 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને જોઈ લોકોએ કોમેન્ટમાં પોતાના વીચિત્ર અનુભવો શેર કર્યા હતા.
ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા છે, જે આ ટ્રેન્ડની રહસ્યમયતાને વધુ ઉજાગર કરે છે. એક યુઝરે લખ્યું કે તેના ફોટોમાં ટેટૂ નહોતું દેખાતું, પરંતુ એઆઈએ બનાવેલી તસવીરમાં ટેટૂ દેખાયો. અન્ય યુઝરે જણાવ્યું, “બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. જેમિની ગૂગલનો ભાગ છે અને તે ઇન્ટરનેટ પર તમારા જૂના ફોટો અને વીડિયોમાંથી માહિતી લઈને નવી તસવીર બનાવે છે.” જ્યારે એક મહિલાએ લોકોને ચેતવણી આપી કે સોશિયલ મીડિયા અને એઆઈ પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
એઆઈની ટેકનોલોજીનુ રહસ્ય
ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે કે એઆઈ ફોટો બનાવવા માટે માત્ર અપલોડ કરેલી તસવીર પર જ આધાર રાખતું નથી, પરંતુ તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમારી ડિજિટલ હિસ્ટ્રી, જૂના ફોટો અને પબ્લિક ડેટાનો પણ ઉપયોગ કરે છે. આનાથી એઆઈ દ્વારા બનાવેલી તસવીરો વધુ વાસ્તવિક લાગે છે, પરંતુ આ જ બાબત ગોપનીયતાને લઈને પ્રશ્નો ઉભા કરે છે. ગૂગલ જેમિની નેનો બનાના એક ઇમેજ-એડિટિંગ ફીચર છે, જે શરૂઆતમાં 3ડી ફિગર બનાવવા માટે લોકપ્રિય હતું, પરંતુ હવે સાડી ટ્રેન્ડે તેને વધુ ચર્ચામાં લાવી દીધું છે.
ગૂગલ જેમિનીનું સાડી ટ્રેન્ડ
ગૂગલ જેમિનીનું આ ફીચર લોકોને પોતાની સામાન્ય તસવીરોને સાડી પહેરેલી શૈલીમાં રૂપાંતરિત કરવાની મજા આપે છે, જે ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બન્યું છે. પરંતુ આ મહિલાના અનુભવે એઆઈની ક્ષમતાઓ અને ગોપનીયતાના જોખમો પર પ્રકાશ ફેંક્યો છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતા પહેલા તેમની ડેટા ગોપનીયતા વિશે વિચારે અને જરૂરી સાવચેતી રાખે. આ ટ્રેન્ડે એક તરફ મનોરંજન આપ્યું છે, તો બીજી તરફ ટેકનોલોજીની શક્તિ અને જવાબદારીની ચર્ચા શરૂ કરી છે.