‘અમર સિંહ ચમકીલા’ એમી એવોર્ડ માટે નોમિનેટ: દિલજીત દોસાંજને મળ્યું ‘બેસ્ટ એક્ટર’ નોમિનેશન

મુંબઈ: થોડા મહિના પહેલા નેટફ્લિક્સ પર પંજાબના ‘રોક એન્ડ રોલ’ કિગ કહેવાતા અને કદાચ સૌપ્રથમ સુપરસ્ટાર ગાયક કહી શકાય તેવા અમરસિંહ ચમકીલાના જીવન પર આધારિત ‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મ રિલીઝ થઇ હતી. દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપડાએ આ ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવવા માટે ખૂબ મહેનત કરી હતી. જેથી આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવીને નવો ઇતિહાસ રચ્યો હતો. આગામી સમયમાં આ ફિલ્મ પોતાના નામે નવો રેકોર્ડ બનાવી શકે છે.
‘અમર સિંહ ચમકીલા’ એમી એવોર્ડમાં થઈ નોમિનેટ
ઇમ્તિયાજ અલી દ્વારા દિગ્દર્શિત અને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’એ ટીવી, મૂવી, મિની-સીરીઝની શ્રેણીમાં પોતાની આગવી જગ્યા બનાવી છે. જેથી આ ફિલ્મે અનેક ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. ત્યારે હવે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ઝળકવા જઈ રહી છે.
આજે ઇન્ટરનેશન એકેડમી ઓફ ટેલીવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા 2025 માટે ઇન્ટરનેશલ એમી એવોર્ડના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ‘અમર સિંહ ચમકીલા’નું ઇન્ટરનેશન એમી એવોર્ડ્સમાં નોમિનેશન થયું છે. આ ફિલ્મ માટે અભિનેતા દિલજીત દોસાંજને બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું છે.
અગાઉ વીર દાસને મળ્યો એવોર્ડ
ઉલ્લેખનીય છે કે, 2025ના ઇન્ટરનેશન એમી એવોર્ડ માટે 16 શ્રેણીમાં 26 દેશોના 64 દાવેદારો છે. છેલ્લા 51 વર્ષથી આ એવોર્ડ આપવામાં આવે છે. વીર દાસ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. તેને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલા પોતાના કોમેડી શો ‘વીર દાસ:ફોર ઈન્ડિયા માટે’ માટે એમી એવોર્ડ મળ્યો હતો.