એકતા કપૂરને મળ્યો એમ્મી એવોર્ડ, આ કેટેગરીમાં મળ્યું સન્માન

જાણીતા ટીવી અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરને ઇન્ટરનેશનલ એમી 2023માં વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. એકતાને કલા અને મનોરંજનની દુનિયામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી છે. એકતા કપૂરને 2023ના ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. એકતા આ એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય નિર્માતા બની છે. ન્યૂયોર્કમાં આયોજિત એક સમારોહમાં પ્રખ્યાત લેખક દીપક ચોપરા દ્વારા એકતાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સ્વીકારતી વખતે એકતા કપૂરે કહ્યું કે, ‘હું પ્રતિષ્ઠિત એમીઝ ડિરેક્ટોરેટ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું. વૈશ્વિક સ્તરે આ રીતે સન્માનિત થવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું હંમેશા વાર્તાઓ કહેવા માંગુ છું. હું પ્રેક્ષકોના પ્રેમ માટે આભારી છું, જેમણે મારા માટે દરવાજા ખોલ્યા, મને ટેલિવિઝનથી ફિલ્મો અને OTTની દુનિયામાં જવાની મંજૂરી આપી.’
તેણે આગળ કહ્યું, ‘મેં કહેલી દરેક વાર્તા અનેક સ્તરે દર્શકો સાથે જોડવાનું માધ્યમ બની ગઈ. આ ભારત અને તેની બહારના લોકો દ્વારા વરસાવેલા પ્રેમની શક્તિનો પુરાવો છે. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે, અને હું મારા કામ દ્વારા દર્શકો પર સકારાત્મક અસર કરવા માટે કટિબદ્ધ છું.’
આ સિવાય એકતાએ એમી એવોર્ડની તસવીર ઈન્સ્ટા પર શેર કરી અને લખ્યું, ‘ભારત, હું તમારા એમીને ઘરે લાવી રહી છું.’ જ્યારે રોકેટ બોયઝ માટે જીમ સરભ અને દિલ્હી ક્રાઈમ 2 માટે શેફાલી શાહ ઈન્ટરનેશનલ એમીઝમાં પોતપોતાની કેટેગરીમાં હારી ગયા, વીર દાસે તેના સ્ટેન્ડ-અપ માટે એવોર્ડ મેળવ્યો. એકતા કપૂરના લોકપ્રિય ભારતીય ટીવી શોમાં ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કુસુમ, પવિત્ર રિશ્તા અને કસૌટી ઝિંદગી કી અને અન્ય ઘણા શો અને ફિલ્મો સામેલ છે.