‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’નું ટ્રેલર રિલીઝ: આ કારણે સંજય મિશ્રા કરશે મહિમા ચૌધરી સાથે લગ્ન

મુંબઈ: થોડા સમય પહેલા 62 વર્ષીય અભિનેતા સંજય મિશ્રા અને 52 વર્ષીય અભિનેત્રી મહિમા ચૌધરીએ લગ્ન કરી લીધા હોવાની વાત સામે આવી હતી. બંને જણ વર-વધુના ગેટઅપમાં પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. પાપારાઝી દ્વારા તેમના લગ્ન અંગે સવાલ પૂછાતા મહિમા ચૌધરીએ કહ્યું હતું કે, “તમે લગ્નમાં તો ના આવ્યા, પણ હવે મિઠાઈ ખાઈને જ જજો…” જોકે, હવે ફરી એકવાર તેમના લગ્નની વાત ચર્ચામાં આવી છે. આ વખતે તો તેમના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે.
લગ્નના મંડપમાં વરમાળા સાથે દેખાયું કપલ
સંજય મિશ્રા અને મહિમા ચૌધરી ‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’ નામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મના લગ્નના સીન બાદ બંનેનો લગ્નના ગેટઅપવાળો વીડિયો વાયરલ થયા બાદ તેમના લગ્નની અટકળો વહેતી થઈ હતી. જોકે, ત્યારબાદ ખુલાસો થયો હતો કે, બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. સંજય મિશ્રા અને મહિમા ચૌધરીની ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’ 19 ડિસેમ્બર, 2025ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે. જેના પ્રમોશનમાં ફિલ્મના કલાકારોની ટીમ જોડાઈ ગઈ છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે સંજય મિશ્રા અને મહિમા ચૌધરીએ ફરી એકવાર લગ્ન કર્યા છે.
આ પણ વાંચો : 52 વર્ષની મહિમા ચૌધરીએ પોતાનાથી 10 વર્ષ મોટા અભિનેતા સાથે કરી લીધા લગ્ન, વીડિયો થયો વાઈરલ…
સોશિયલ મીડિયા પર ‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’ ફિલ્મનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે. જેમાં સંજય મિશ્રા અને મહિમા ચૌધરીના હાથમાં વરમાળામાં જોવા મળી રહી છે. સાથોસાથ આસપાસ હાજર રહેલા લોકો તેમના પર ફૂલો વરસાવી રહ્યા છે.
‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’નું ટ્રેલર રિલીઝ
સિદ્ધાંત રાજ સિંહે ‘દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી’ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલર પરથી જાણવા મળતી સ્ટોરી મુજબ દુર્લભ પ્રસાદનો રોલ કરતા સંજય મિશ્રા ફિલ્મમાં તેમના દીકરાના લગ્ન કરાવવા માટે પોતે પણ લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. કારણ કે, જ્યાં દીકરાના લગ્ન નક્કી થયા છે, ત્યાંના લોકોએ શરત મૂકી છે કે, જ્યાં સુધી ઘરમાં કોઈ મહિલા નહીં હોય, ત્યાં સુધી તેઓ પોતાની દીકરીને પરણાવશે નહીં. એવામાં સંજય મિશ્રાનો મહિમા ચૌધરી સાથે ભેટો થાય છે અને બંનેના જીવનમાં મોટું ટ્વિસ્ટ આવે છે. ફિલ્મનું ટ્રેલર એન્ટરટેઇનમેન્ટથી ભરેલું છે. તેથી આ ફિલ્મ પણ એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર હશે એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.



