દુબઈમાં બનશે શાહરૂખ ખાનના નામનો ટાવર: ખુશ થયેલા અભિનેતાએ કહી મોટી વાત

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિયતા ભારત પૂરતી સીમિત રહી નથી. તેના ફેન્સ વિદેશોમાં પણ ફેલાયેલા છે. તાજેતરમાં શાહરૂખ ખાનના જન્મદિવસ પર તેના ફેન્સનું એક ગૃપ છેક દુબઈથી આવ્યું હતું. ત્યારે હવે દુબઈમાં શાહરૂખ ખાનના નામે એક આલીશાન ટાવર બનવા જઈ રહ્યો છે. જેને લઈને શાહરૂખ ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ શાહરખ ખાને શું કહ્યું છે.
મારી માતા ખૂબ ખુશ થાત
દુબઈની એક રિયલ એસ્ટેટ કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ શાહરૂખ ખાનના નામ પર એક આલીશાન ટાવર બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોપર્ટીનું નામ “શાહ રુખ્ઝ” (Shah Rukhz) રાખવામાં આવશે અને તેની સામે શાહરૂખ ખાનની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. મુંબઈમાં આ પ્રોજેક્ટની જાહેરાત દરમિયાન, શાહરૂખ ખાને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “હું શું કહી શકું? જો મારી માતા જીવતી હોત, તો તે ખૂબ ખુશ થાત. મને લાગે છે કે તે એક મોટું સન્માન છે, અને હવે જ્યારે પણ હું મારા બાળકો સાથે દુબઈ જઈશ, ત્યારે હું તે ઇમારત તરફ ઈશારો કરીને કહીશ, ‘જુઓ, ત્યાં પપ્પાની ઇમારત છે.’
આ પણ વાંચો: આ કારણે શાહરૂખ ખાને જન્મદિવસે માગી ફેન્સની માફી, ફેન્સ વિલા મોઢે પાછા ફર્યા
ટાવરમાં મળશે અનેક સુવિધાઓ
જાહેરાત કાર્યક્રમમાં જણાવ્યા મુજબ, આગામી ૩-૪ વર્ષમાં પૂર્ણ થનારા આ ટાવરની અંદાજિત કિંમત ₹૪,૦૦૦ કરોડ છે. આ મિલકત ૧ મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલી હશે. તેમાં રહેવાસીઓ માટે ૪૦ થી વધુ સુવિધાઓ હશે, જેમાં ફ્રી ક્લબ, આઉટડોર લાઉન્જ, જીમ અને હેલિપેડનો પણ સમાવેશ થાય છે.
It is humbling and deeply touching to have a landmark in Dubai carry my name and to be an integral part of the cityscape forever. Dubai has always been a special place for me – a city that celebrates dreams, ambition, and possibility. Shahrukhz by Danube – this Commercial tower… pic.twitter.com/IcgLBJr46O
— Shah Rukh Khan (@iamsrk) November 15, 2025
શાહરૂખ ખાને જણાવ્યું કે, “આ ડેન્યૂબ પ્રોપર્ટી દુબઈમાં નવા આવનારા લોકો માટે ખૂબ જ સસ્તું પણ હશે. જે લોકો દુબઈમાં પોતાનું જીવન શરૂ કરી રહ્યા છે અને પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગે છે, તેમના માટે તે એક મોટું વરદાન હશે.”
આવુ પહેલીવાર બન્યુ છે, કારણ કે…
પોતાના નામ પર ઇમારતનું નામકરણ થવા અંગે ખુશી વ્યક્ત કરતાં શાહરૂખે કહ્યું કે, “આવું પહેલીવાર બન્યું છે, જ્યારે આવી કોઈ વસ્તુનું નામ મારા નામ પર રાખવામાં આવ્યું હોય. હું ક્યારેય કોઈ વસ્તુનું નામ મારા નામ પર રાખતો નથી. મારી કંપની (રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ) અને મારા ઘર (મન્નત) નું નામ જુઓ. હું મારી જાતને એટલો મહત્વપૂર્ણ નથી માનતો કે હું વસ્તુઓ લઈશ અને તેને મારું નામ આપીશ. ફિલ્મો સિવાય, કારણ કે તે મારું કામ છે અને હું તેની પૂજા કરું છું.”



