અચાનક થયેલા ગોળીબારથી સ્તબ્ધ દિશા પટણીના પરિવારની આવી પહેલી પ્રતિક્રિયા, કહ્યું કે…

બરેલી: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત નિવાસસ્થાને થયેલા ચાર રાઉન્ડ ફાયરિંગથી પડોશીઓ તથા આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.
હુમલાની જવાબદારી લેનાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હુમલાને દીશા પટણી સહિત બોલિવૂડના કલાકારો માટે ચેતવણીરૂપ ગણાવ્યો હતો. જોકે, આ હુમલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે દીશા પટણીના પિતા જગદીશ પટણીની પ્રતિક્રિયા સામે આવી છે.
દીકરીએ કોઈ સંતનું અપમાન કર્યું નથી: જગદીશ પટણી
દિશા પટણીના પિતા જગદીશ પટણીએ મીડિયાને જણાવ્યું કે, “આ ઘટના પછી પોલીસ ઉચ્ચ અધિકારીઓ સતત મારા સંપર્કમાં છે. તેમના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ મદદ બદલ હું પોલીસનો આભારી છું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરાવે, એવી મારી અપીલ છે.”
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ ગોળીબાર પાછળનું કારણ ખુશ્બુ પટણી દ્વારા પ્રેમાનંદ મહારાજના અપમાનને ગણાવ્યું હતું. આ અંગે જગદીશ પટણીએ પોતાની દીકરીનો બચાવ કરતા કહ્યું હતું કે, મારી દીકરીએ એવું કંઈ નથી કર્યું કે જેના કારણે આટલો મોટો હુમલો થાય. મારી દીકરીએ કોઈ સંતનું અપમાન કર્યું નથી.”
ધર્મની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈશું
ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રોહિત ગોદારા ઉર્ફે ગોલ્ડી બ્રારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમારા દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ ફક્ત એક ટ્રેલર હતું. હવે પછી જો તેઓ અથવા અન્ય કોઈ આપણા ધર્મનો અનાદર કરશે, તો તેમના ઘરમાં કોઈ બચી શકશે નહીં.
આ મેસેજ માત્ર આમની માટે જ નહીં, પરંતુ જેટલા પણ ફિલ્મી કલાકારો અને તેમની સાથે જોડાયેલા કલાકારો છો, તેમના માટે પણ છે. અમે અમારા ધર્મની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય પીછેહઠ કરશું નહીં.
હુમલા બાદ દિશા પટણીના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. જોકે, ફાયરિંગ કરનારા આરોપીઓ હજી સુધી પકડાયા નથી, પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં ગુનેગારો જોવા મળી રહ્યા છે. જેના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…દિશા પટણીના બરેલી સ્થિત ઘરે થયો ગોળીબાર, હુમલાખોરે આપી ફિલ્મી કલાકારોને ચેતવણી